નવી દિલ્હીઃ ઈન્ડિયન રેલવેએ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને બંધ કરવાા સંકેત આપ્યા છે. હકીકતમાં, ભારતીય રેલવેને રાજ્યોથી 321 વધારે શ્રમિક ટ્રેનોને ચલાવવાનો અનુરોધ મળ્યો છે. એવી શક્યતા છે કે, રેલવે તુરંત જ આ સેવાને સમાપ્ત કરવાનો નિર્ણય લઈ શકે છે. રેલવેનું કહેવું છે કે, જ્યાં સુધી માંગ રહેશે ત્યાં સુધી આ ટ્રેનોને ચલાવવામાં આવશે. રેલવે બોર્ડના અધ્યક્ષ દ્વારા 29 મેના રોજ રાજ્યોને મોકલવામાં આવેલા પત્રમાં વિનંતી કરવામાં આવી હતી કે તેઓ હજી પણ વતન જવા માંગતા પ્રવાસીઓના લિસ્ટ પર એક નજર કરે અને 30 મે સુધી આ પ્રકારની ટ્રેનોની પોતાની જરુરત સામે રાખે કે જેથી આ પ્રકારની સેવાઓની યોજના બનાવી શકાય.
પ્રાપ્ત વિગતો અનુસાર, 30 મે સુધી રેલવેને 321 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની માંગ પ્રાપ્ત થઈ હતી. રેલવે આશરે 4000 આ પ્રકારની ટ્રેનોથી આશરે 56 લાખ પ્રવાસી મજૂરો અને કામદારોને તેમના ઘરે પહોંચાડી ચૂક્યું છે. જો કે હવે આ ટ્રેનોની માંગ ઘટી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રેલવેથી માત્ર 321 ટ્રેનોની નવી માંગ કરવામાં આવી છે અને તેમાં મોટાભાગની ટ્રેનો પશ્ચિમ બંગાળ માટે છે. રોજિંદી સરેરાશ 200 થી વધારે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહેલું ઈન્ડિયન રેલવે 321 ટ્રેનોની માંગને આવતા 2 દિવસમાં પૂરી કરવાની ક્ષમતા રાખે છે. ત્યારે આવામાં બે દિવસ બાદ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચાલશે કે નહી તેની કોઈ જાણકારી નથી.
જો કે, રેલવે પાસેથી રાજ્યો દ્વારા ચરણબદ્ધ રીતે ટ્રેન મોકલવાની માંગ કરવામાં આવી રહી છે. અધિકારીઓ અનુસાર, રેલવેએ રવિવારના રોજ માત્ર 69 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવી છે. રેલવેએ 1 મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાની શરુ કરી દીધી હતી.