ચાલુ વર્ષે સૌથી વધુ પગારવધારો ભારતીય કર્મચારીઓને મળશે

નવી દિલ્હીઃ વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે વિશ્વની કેટલીય મોટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે, ત્યારે બીજી તરફ ભારતીય કર્મચારીઓને આ વર્ષે એટલે કે વર્ષ 2023 એશિયામાં સૌથી વધુ પગારવધારો મળવાની શક્યતા છે. આ વર્ષે ભારતીય કંપનીઓમાં કામ કરી રહેલા કર્મચારીઓની સેલરીમાં 15થી 30 ટકા વધુ ઇન્ક્રિમેન્ટની સંભાવના છે, એમ કન્સલ્ટિંગ ફર્મ કોર્ન ફેરીનો સર્વે કહે છે.

સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય કંપનીઓ આ વર્ષે પગારવધારો 9.8 ટકાનો વધારો કરે એવી ધારણા છે, જે એશિયાના અન્ય દેશોની તુલનાએ સૌથી વધુ છે. વર્ષ 2022માં ભારતીય કંપનીઓએ કર્મચારીઓના પગારમાં 9.4 ટકાનો વધારોય કર્યો હતો. સર્વે કહે છે કે સારું કામ કરતા કર્મચારીઓના પગારમાં એનાથી વધુનો વધારો સંભવ છે. સર્વેમાં લાઇફ સાયન્સ અને આરોગ્ય ક્ષેત્રે અને ટેક્નોલોજી ક્ષેત્રમાં 10 ટકાથી વધુનો પગારવધારાનો અંદાજ છે. 

સેલરી ફોરકાસ્ટ સર્વેમાં ભારતની 818 કંપનીઓ સામેલ છે. આ એ કંપનીઓ છે, જે દેશમાં સંયુક્ત રૂપે આઠ લાખ કે એનાથી વધુ કર્મચારીઓ જોડાયેલા છે. આ સર્વેમાં 61 ટકા કંપનીઓએ કર્મચારીઓના પગારમાં 15થી 20 ટકા વધારો કરવાની શક્યતા દર્શાવી હતી. કેટલીક કંપનીઓએ કહ્યું હતું કે એ પોતાના બેસ્ટ કર્મચારીઓને એનાથી પણ વધુ ઇન્ક્રિમેન્ટ આપે એવી સંભાવના છે, જ્યારે હાઇ-ટેક ઇન્ડસ્ટ્રી, લાઇફ સાયન્સ અને હેલ્થકેર ક્ષેત્રમાં 10 ટકા વધુ સેલરી હાઇક મળે એવી ધારણા છે. દેશમાં કોરોના રોગચાળાથી વર્ષ 2020 ઘણું પ્રભાવિત રહ્યું હતું. એ વર્ષોમાં પગારવધારો ઘણો ઓછો રહ્યો હતો, પણ હવે 2023માં કોરોનાથી મુક્તિ મળતી નજરે ચઢી રહી છે.