શ્રીનગર- જમ્મુ કશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ પુલવામાના ત્રાલ સેક્ટરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીને ઠાર માર્યા છે. જેમાં પાકિસ્તાના એક સ્નાઈપરનો પણ સમાવેશ થાય છે.સેનાના જણાવ્યા પ્રમાણે ત્રાલના મંડૂરામાં વિસ્તારમાં આ એન્કાઉન્ટર શરુ થયું હતું. આ વિસ્તાર દક્ષિણ કશ્મીરમાં આવે છે. ભારતીય સેનાએ ગુપ્ત બાતમીના આધારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મળતી માહિતી મુજબ ભારતીય સેનાની કાર્યવાહીમાં માર્યા ગયેલા સ્નાઈપર આતંકી સંગઠન જૈશ-એ-મોહમેમદનો વડો અને કુખ્યાત આતંકી મૌલાના મસૂદ અઝહરનો ભત્રીજો પણ ઠાર મરાયો છે.
આ ઓપરેશનમાં 42 રાષ્ટ્રીય રાઈફલ્સ, એસઓજી અને સીઆરપીએફના જવાનો સામેલ હતા. સેનાએ સર્ચ ઓપરેશન શરુ કર્યું એ સાથે જ છુપાયેલા આતંકીઓએ તેમના ઠેકાણાએથી સેના પર ફાયરિંગ શરુ કર્યું હતું. કલાકો સુધી ચાલેલા આ ઓપરેશનમાં આખરે સેનાએ એ ઘરને ઉડાવી દીધું હતું જેમાં છુપાઈને આતંકીઓ સેના ઉપર ફાયરિંગ કરી રહ્યાં હતા. એન્કાઉન્ટરની જગ્યાએથી સેનાએ બે મૃતદેહ અને એમ-4 સ્નાઈપર રાઈફલ જપ્ત કરી છે.
ગત રોજ સેનાની કાર્યવાહીમાં આતંકી સંગઠનના સ્નાઈપરનું એન્કાઉન્ટર એ સેના માટે મોટી સફળતા માનવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, જમ્મુ-કશ્મીરમાં જૈશના સ્નાઈપર્સના હુમલામાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતાં.