નવી દિલ્હી- અમેરિકાએ જનરલાઈઝડ સીસ્ટમ ઓફ પ્રેફરન્સીસ (જીએસટી) કાર્યક્રમ હેઠળ લાભાર્થી દેશનો દરજજો પાછો ખેંચી લેતા નિર્ણયના વળતા જવાબમાં ભારત પણ 1લી એપ્રિલથી અમેરિકાથી આયાત થતી 29 ચીજો પર ઉંચી આયાત ડ્યૂટી લાદે તેવી શકયતા છે. બંને દેશો જ્યારે વેપાર સમસ્યાઓ ઉકેલવા મથી રહ્યાં છે ત્યારે આ નિર્ણય ભારત અને અમેરિકાના દ્વીપક્ષી સંબંધોને અસર કરી શકે છે.
અમેરિકાથી આયાત થતાં અખરોટ, વટાણા, મસૂર, બોરીક એસીડ, ડાયગ્નોસિટક રિએજન્ટસ સહિતની ચીજો પર ઉંચી ડ્યૂટી લાદી તેમના પર વધારાનો 29 કરોડ ડોલરનો બોજો લાદવા પ્રસ્તાવ છે. અમેરિકાએ કેટલીક સ્ટીલ અને એલ્યુમીનીયમ પ્રોડકટસ પર ઉંચી ટેરીફ લેવાની જાહેરાત કર્યા પછી ભારતે જૂન 2018માં લેવી વધારવા દરખાસ્ત કરી હતી. જોકે દ્વીપક્ષી વેપાર મંત્રણાઓ ચાલી રહી હોવાથી ભારતે એનો અમલ 6 વખત મોકૂફ રાખ્યો હતો.
અમેરિકાએ ગત વર્ષે 9 માર્ચે ભારતથી આયાત થતી સ્ટીલ અને એલ્યુમીનીયમ વસ્તુઓ પર ભારે ડ્યૂટી લાવવા જાહેરાત કરી હતી. અલબત, હજુ એનો અમલ શરુ થયો નથી, ભારતની વળતી લેવી 4 ઓગસ્ટથી લાગુ થનાર હતી, પણ એ પછી દર મહિને એનો અમલ મોકૂફ રખાતો રહ્યો છે.
ભારત દ્વારા જો એપ્રિલમાં આયાત ડ્યૂટી વધારવામાં આવશે તો, અખરોટ પરની આયાત ડેયૂટી વધી 120 ટકા, વટાણા, ચણા અને મસૂરદાળ પરની આયાત જકાત 30 ટકાથી વધી 70 ટકા થશે. મસૂર પરની લેવી 30 ટકાથી વધી 40 ટકા થશે. ભારતે અમેરિકાની એપ્રિલ-ડીસેમ્બર 2018-19માં 2017-18ના સમયગાળામાં થયેલી 4 અબજ ડોલરની આયાત સામે 5.45 અબજ ડોલરના મિનરલ ફયુલ, મિનરલ ઓઈલ, બિટુમિનલ પદાર્થો અને મિનરલ વેકસની આયાત કરી હતી.