વડાપ્રધાન મોદીએ પોતાની અંગત બચતમાંથી આપ્યાં 21 લાખ

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન મોદીએ પોતાની અંગત બચતમાંથી 21 લાખ રુપિયા કુંભ મેળા સાથે જોડાયેલા સફાઈ કર્મચારીઓના કલ્યાણ સંબંધી કોષમાં દાન કર્યા છે. વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટમાં એ વાત કહેવામાં આવી છે કે વડાપ્રધાન મોદીએ પોતાની અંગત બચતમાંથી 21 લા રુપિયાની રકમ કુંભ મેળાના સફાઈ કર્મચારીઓના કલ્યાણ કોષમાં દાન કરી છે.

પીએમઓએ ટ્વિટમાં કહ્યું કે તાજેતરમાં જ દક્ષિણ કોરિયામાં સિયોલ શાંતિ સન્માન પ્રાપ્ત કર્યા બાદ તેમણે આમાં મળેલી 1.3 કરોડ રુપિયાની રકમ નમામિ ગંગે માં આપવાની જાહેરાત કરી હતી. આમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળમાં મળેલા ઉપહારોની નીલામીથી એકત્ર થયેલા 3.40 કરોડ રુપિયા પણ નમામિ ગંગે યોજના માટે દાન કર્યા છે.

આ પહેલા વડાપ્રધાન મોદીએ વર્ષ 2015 સુધી તેમને મળેલા ઉપહારો અને ભેટની નિલામીથી પ્રાપ્ત 8.33 કરોડ રુપિયા પણ નમામિ ગંગે મિશનમાં દાન કર્યા હતા. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ નરેન્દ્ર મોદી એ પોતાની અંગત બચતમાંથી 21 લાખ રુપિયા ગુજરાત સરકારના કર્મચારીઓની દિકરીઓ માટે આપ્યા હતા.

આપને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી કુંભ મેળા દરમિયાન પ્રયાગરાજ ગયા હતા. અહીંયા તેમણે પવિત્ર સંગમમાં ડુબકી લગાવી હતી અને વિધિવત પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ વડાપ્રધાને સારુ કામ કરનારા કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓને સન્માનિત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કેટલાક સફાઈ કર્મચારીઓના પગ પણ ધોયા હતા. આ એ સફાઈ કર્મચારીઓ હતા, કે જેઓ કુંભ મેળાની શરુઆતથી જ સફાઈના કાર્યમાં જોડાયેલા હતા. વડાપ્રધાન મોદીએ જે સફાઈ કર્મચારીઓના પગ ધોયા હતા, તેમાંથી એકે અપણ કહ્યું કે, ક્યારેય નહોતું વિચાર્યું કે વડાપ્રધાન તેમના પગ ધોશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]