નવી દિલ્હી – આવતા વર્ષે દેશના પ્રજાસત્તાક દિનના ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત સરકારે આમંત્રણ આપ્યું છે.
‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતના આ આમંત્રણ ઉપર હકારાત્મક રીતે વિચારણા કરી રહી છે.
જોકે ટ્રમ્પ સરકાર તરફથી આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ વ્યક્ત કરાયો નથી.
અમેરિકા અને ચીન વચ્ચે જામેલી ટ્રેડ-વોરને પગલે અમેરિકાએ ભારત પર લાદેલા અમુક વ્યાપાર નિયંત્રણો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ડોનાલ્ડ ટ્રમ્પને પ્રજાસત્તાક દિન ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાનું આમંત્રણ આપીને મહત્ત્વનો રાજદ્વારી નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, 2015માં ભારત સરકારના આમંત્રણને માન આપીને તે વખતના યુએસ પ્રમુખ બરાક ઓબામા પ્રજાસત્તાક દિન ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.