PDP તોડવા પ્રયાસ કરશો તો અનેક આતંકી પેદા થશે: BJPને મહેબૂબાની ધમકી

0
2480

શ્રીનગર- જમ્મુ અને કશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કેન્દ્રની મોદી સરકારને ધમકીના સ્વરમાં જણાવ્યું છે કે, રાજ્યમાં જો ભારતીય જનતા પાર્ટી પીડીપીને તોડવા પ્રયાસ કરશે તો કશ્મીરમાં સલાઉદ્દીન જેવા અનેક આતંકીઓ પેદા થશે અને રાજ્યની સ્થિતિ 90ના દાયકા જેવી વિપરીત થશે.મહેબૂબા મુફ્તીએ જણાવ્યું કે, જમ્મુ-કશ્મીરમાં 1987માં યોજાયેલી ચૂંટણીમાં ગડબડ થઈ તો યાસીન મલિક અને હિઝબુલ મુજાહિદ્દીનના પ્રમુખ સૈયદ સલાઉદ્દીન જેવા અલગતાવાદી નેતાઓ અસ્તિત્વમાં આવ્યા. હવે જો ભારતીય જનતા પાર્ટી PDPને તોડવા પ્રયાસ કરશે અને કશ્મીરીઓના હક સાથે છેડછાડ કરશે તો સ્થિતિ પહેલા કરતાં પણ વધુ ખરાબ થશે.

આ મામલે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં ભારતીય જનતા પાર્ટી જમ્મુ-કશ્મીર વિભાગના પ્રમુખ રવીન્દ્ર રૈનાએ જણાવ્યું કે, મહેબૂબા મુફ્તીનું આ નિવેદન ઘણું આપત્તિજનક છે. ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય પણ પીડીપી તોડીને સરકાર બનાવવાનો પ્રયાસ નથી કર્યો. વધુમાં રવીન્દ્ર રૈનાએ કહ્યું કે, અમે રાજ્યને શાંતિ, સુશાસન અને વિકાસ તરફ લઈ જવા માગીએ છીએ.

આપને જણાવી દઈએ કે, મહેબૂબા મુફ્તીનું આ વિવાદાસ્પદ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે BJPના સહયોગી અને પૂર્વ અલગતાવાદી નેતા સજજાદ લોનની પાર્ટી પીપલ્સ કોન્ફરન્સ પીડીપીમાં એક રાજકીય નિયંત્રણ સ્થાપિત કરીને તેના બળવાખોર ધારાસભ્યોનો ટેકો મેળવવા પ્રયાસ કરી રહ્યું છે.