રાજકારણનું અપરાધીકરણઃ વર્ષ 2004થી અત્યાર સુધી સંખ્યા બમણી

નવી દિલ્હીઃ દેશમાં રાજકારણમાં અપરાધીકરણ સતત વધતું ગયું છે. દેશમાં હાલ લોકસભા ચૂંટણી ચાલી રહી છે, જેમાં નેતાઓનું અપરાધીકરણ ચર્ચાનો વિષય બન્યો છે. અપરાધ અને રાજકારણ વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા જોવા મળે છે.  દેશમાં સંસદમાં ચૂંટાયેલા ગુનાઇત ઉમેદવારોની સંખ્યા વર્ષ 2004થી સતત વધતી જાય છે. દેશમાં 2004માં 24 ટકા સાસંદ એવા હતા, જેમના પર ગુનાઇત કેસો પેન્ડિંગ હતા. એ સંખ્યા વધીને 2019માં લગભગ બમણી વધીને 43 ટકાએ પહોંચી હતી.

વર્ષ 2009માં લોકસભામાં 30 ટકા સાંસદો પર ગુનાઇત કેસો પેન્ડિંગ હતા, જે વર્ષ 2014ની લોકસભામાં વધીને 34 ટકાએ પહોંચી હતી. વર્ષ 2023ના ફેબ્રુઆરીમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં એ વાત પર દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ 2019 પછી જાહેર ગુનાઇત કેસોવાળા સાંસદોની સંખ્યામાં 44 ટકાનો વધારો થયો છે.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કુલ 159 સાંસદ એવા હતા, જેમની સામે હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, મહિલાઓની સાથે બળાત્કાર જેવા ગુનાના કેસો ચાલવાની માહિતી હતી. આ સાંસદોમાં ભાજપના 64 સાંસદ, કોંગ્રેસના 97માંથી આઠ અને RJDના નવમાંથી છ લોકસભા, રાજ્યસભાના સાંસદ એવા હતા, જેમની સામે ગંભીર ગુનાના કેસ નોંધાયેલા હતા. એટલે કે બધી પાર્ટીઓમાં ગુનાઇત ઉમેદવારો ફેલાયેલા હતા.

વિધાનસભામાં 44 ટકા વિધાનસભ્યો પર ગુનાઇત કેસો

ADRની રિપોર્ટ અનુસાર દેશનાં અલગ-અલગ રાજ્યોની વિધાનસભાઓમાં આશરે 44 ટકા વિધાનસભ્યોની વિરુદ્ધ ગુનાઇત કેસો નોંધાયેલા છે.

ADR અને નેશનલ ઇલેક્શન વોચ (NEW)ના એક અભ્યાસ અનુસાર 28 રાજ્યની વિધાનસભા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ 4001 નેતાઓમાંથી 1136ની વિરુદ્ધ ગંભીર ગુનાઇત કેસ નોંધાયેલા છે.