પરદેશી-પ્રવાસીઓ માટે ‘એર-સુવિધા’ ફોર્મ ભરવાનો નિયમ રદ

નવી દિલ્હીઃ ભારત સરકારે આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસીઓ માટે એર સુવિધા ફોર્મ ભરવાનો નિયમ રદ કરી દીધો છે. આ વિશેની નોટિસમાં કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે ભારત આવતા વિદેશી પ્રવાસીઓએ હવેથી સેલ્ફ-ડેક્લેરેશન ફોર્મ ભરવાની જરૂર નથી. આ નિર્ણયનો અમલ ગત મધરાતથી શરૂ પણ કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી ભારત આવતા પરદેશી પ્રવાસીઓ માટે તેઓ પ્રસ્થાન એરપોર્ટથી એમની ફ્લાઈટમાં ચડે એ પહેલાં જ એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજિયાત હતું. આ ફોર્મ ભરવાનું રદ કરવાની માગણી ઘણા વખતથી વિમાન પ્રવાસીઓ તરફથી કરવામાં આવતી હતી.

સરકારે જણાવ્યું છે કે દુનિયાના દેશોમાં તેમજ ભારતમાં કોરોનાવાઈરસ મહામારીનો પ્રકોપ સતત ઘટી રહ્યો છે અને કોરોના રસીકરણ કવરેજમાં પણ પ્રગતિ થઈ હોવાથી કેન્દ્રિય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સુધારિત માર્ગદર્શક નિયમન જાહેર કર્યા છે. આ સુધારિત નિયમ અંતર્ગત ઓનલાઈન એર સુવિધા પોર્ટલ પર સ્વયં-ઘોષણા ફોર્મ ભરીને સુપરત કરવાનું હવે બંધ કરવામાં આવ્યું છે. પરંતુ જો ભવિષ્યમાં કોવિડ-19ની પરિસ્થિતિ વણસતી જણાશે અને જરૂર લાગશે તો આ નિયમ અંગે ફેરવિચારણા કરવામાં આવશે એવી સ્પષ્ટતા પણ સરકાર તરફથી કરી દેવામાં આવી છે. સરકાર આ પહેલાં વિમાન પ્રવાસીઓ માટે મોઢા પર માસ્ક પહેરવાનું ફરજિયાત ન હોવાની પણ જાહેરાત કરી ચૂકી છે. પરંતુ જેમને કોરોનાના લક્ષણો હોય એમણે માસ્ક પહેરવું જોઈએ. તે છતાં જો કોઈ માસ્ક નહીં પહેરે તો એને દંડ ફટકારવામાં નહીં આવે.

સરકારે કોરોના મહામારી પરાકાષ્ઠા પર હતી ત્યારે ઓગસ્ટ-2020માં એર સુવિધા પોર્ટલ શરૂ કર્યું હતું. જે અંતર્ગત ભારત આવતા દરેક આંતરરાષ્ટ્રીય પ્રવાસી માટે એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. જેમ કે, એ ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, પૂરેપૂરું સરનામું, એણે આ પહેલાં કયા કયા દેશની મુલાકાત લીધી હતી, એનો મોબાઈલ ફોન નંબર, ઈમેલ એડ્રેસ, રોગના શંકાસ્પદ લક્ષણો, કોરોનાનો શિકાર બનેલી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા છો કે નહીં, વગેરે વિગતો ફોર્મમાં ભરવી પડતી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]