દિલ્હી, કુરનુલ, હુબલીમાં જૂથ અથડામણના બનાવ

નવી દિલ્હીઃ ગઈ કાલે હનુમાન જયંતી નિમિત્તે થયેલી ઉજવણીઓ દરમિયાન રાષ્ટ્રીય પાટનગર દિલ્હી, આંધ્ર પ્રદેશના કુરનુલ અને કર્ણાટકના હુબલીમાં જૂથ અથડામણની ઘટનાઓ બની હતી. કોમી હિંસાના બનાવો દરમિયાન બંને જૂથના લોકોએ પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિ બધે હાલ અંકુશ હેઠળ હોવાનો અહેવાલ છે.

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી હિંસામાં કેટલાક પોલીસ જવાન ઘાયલ થયા છે. અનેક વાહનોની તોડફોડ કરાઈ હતી.પોલીસે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં 10 હિંસાખોરોને પકડ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસોને તહેનાત કરવામાં આવ્યા છે.

કર્ણાટકના હુબલી શહેરમાં એક પોલીસ સ્ટેશનની બહાર એકત્ર થયેલા લોકોનું ટોળું બેકાબૂ બન્યું હતું અને પોલીસ સ્ટેશન પર અને પોલીસ વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એમાં એક ઈન્સ્પેક્ટર સહિત ચાર પોલીસ જવાન ઘાયલ થયા હતા. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીમાર કર્યો હતો. તે છતાં લોકો ન વિખેરાતાં, પોલીસે અશ્રુવાયુ છોડ્યો હતો. કહેવાય છે કે એક વ્યક્તિએ વોટ્સએપ પર કોઈક વાંધાજનક મેસેજ પોસ્ટ કર્યો હતો અને એમાંથી મામલો બિચક્યો હતો. પોલીસે આખા શહેરમાં 144મી કલમ લાગુ કરી દીધી છે. આંધ્ર પ્રદેશના કુરનુલ શહેરના હોલાગુંદા વિસ્તારમાં પણ ગઈ કાલે હનુમાન જયંતી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા વખતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો એને પગલે જૂથ અથડામણ ફાટી નીકળી હતી. પોલીસે 144મી કલમ લાગુ કરી દીધી છે. આજે પરિસ્થિતિ અંકુશમાં છે.