વર્ષ 2024માં દેશમાં ગરમી પાછલા બધા રેકોર્ડ તોડશે

નવી દિલ્હીઃ વર્ષ 2024ના માર્ચથી મે દરમ્યાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ ગરમી રહેવાની સંભાવના છે. આ સમયગાળામાં મોટા ભાગનો સમય અલ નિનોની સ્થિતિ બની રહેવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. એનાથી લૂની સ્થિતિ પણ રહે એવી શક્યતા છે. જોકે આ વર્ષ સારા ચોમાસાના સંકેત પણ છે.

વૈજ્ઞાનિકોનો એ પણ અંદાજ છે કે બંગાળની ખાડી, દક્ષિણ ચીન સાગર, ભારત, ફિલિપિન્સ અને કેરિબિયનની પાસે તટીય વિસ્તારોમાં જૂન સુધી અસાધારણ ગરમીનો અનુભવ થશે, એ પછી અલ નિનોનો પ્રભાવ ઓછો થવાની સંભાવના છે.દેશના ઉત્તર-પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં અને દિલ્હીમાં તાપમાન દિવસના વધુ રહેશે. માર્ચના પહેલા દિવસોમાં રાત્રિનું તાપમાન ઓછું રહેશે, એવું નવા પશ્ચિમી વિક્ષોભના સક્રિય થવાને કારણે પહાડી વિસ્તારોમાં સ્નો ફોલને કારણે થશે.

ફેબ્રુઆરીમાં દેશમાં સરેરાશ લઘુતમ તાપમાન 14.61 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું, જે 1901 પછી આ મહિને નોંધવામાં આવેલું બીજું સૌથી વધુ તાપમાન છે.હવામાન વિભાગના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે 15 માર્ચ સુધી મહત્તમ તાપમાન સામાન્યથી નીચેથી રહેવાની આશા છે. તેનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. અપેક્ષા છે કે તેના લીધે વરસાદ પડી શકે છે. જોકે ભારે વરસાદથી પાકને નુકસાન થશે અને તેના લીધે ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. આ સાથે ઘઉંના પાકને નુકસાન થવાની શક્યતા છે. જોકે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાથી લાભ પણ થશે. IMDનું એવું પણ કહેવું છે કે આ વર્ષે માર્ચમાં સામાન્યથી વધુ કમોસમી વરસાદ પડી શકે છે.