ઇમ્ફાલઃ મણિપુરમાં હિંસક ઘટનાઓ સતત જારી છે. ગુરુવારે ભીડે વિદેશ રાજ્યપ્રધાન આરકે રંજન સિંહના નિવાસસ્થાને હુમલો કર્યો હતો. આ ભીડે ગઈ કાલે મોડી રાતે તેમના ઇમ્ફાલ કોંગબા સ્થિત નિવાસસ્થાને આગ લગાડી દીધી હતી, જે પછી કેન્દ્રીય મંત્રીએ લોકોને શાંતિની અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે મારા ગૃહ રાજ્યમાં જે કંઈ થઈ રહ્યું છે, એ જોઈને બહુ દુઃખ થાય છે. આ પ્રકારની હિંસામાં લિપ્ત લોકો બિલકુલ અમાનવીય છે. હું હાલ સત્તાવાર કામ માટે કેરળમાં છું. ગઈ કાલે મારા ઘરમાં કોઈ ઘાયલ નથી. બદમાશો પેટ્રોલ બોમ્બ લઈને આવ્યા હતા અને મારા ઘરના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે નુકસાન પહોંચાડ્યું છે.
મહિલા મંત્રીના ઘરે પણ આગ લગાડાઈ
ઉપદ્રવીઓએ ન્યુ ચેકઓનમાં પણ બે ઘર ફૂંકી માર્યા હતા, જે પછી સુરક્ષા દળોએ આંસુ ગેસના ગોળા છોડ્યા હતા. આ પહેલા 14 જૂને ઇમ્ફાલમાં અજાણ્યા લોકોએ મંત્રી નેમચા કિપજેનના સત્તાવાર નિવાસસ્થાન પર પણ આગ લગાડી દીધી હતી. બુધવારે સાંજે તોફાની તત્ત્વોએ ઇમ્ફાલ વેસ્ટના લામ્ફેલ ક્ષેત્રમાં રાજ્યના મહિલા મંત્રી નેમચા કિપગેનના ઘરે આગ લગાડી દીધી હતી. જોકે ત્યારે તેઓ ઘરે નહોતા. ફાયરબ્રિગ્રેડે ઘટનાસ્થળે જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પહેલાં 13 જૂને કાંગપોકપી જિલ્લામાં તોફાનીઓએ ગોળીબાર અને આગની ઘટનાઓમાં નવ લોકોનાં મોત થયાં હતાં અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મણિપુરના 16માંથી 11 જિલ્લાઓમાં કરફ્યુ લાગુ છે, જ્યારે ઇન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ છે.