બિહારમાં પહેલા તબક્કામાં 71 બેઠકો પર મતદાન શરૂ

પટનાઃ બિહાર ચૂંટણીમાં પહેલા તબક્કામાં મતદાન સવારે સાત કલાકથી શરૂ થઈ ગયું છે. વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં 71 બેઠકો માટે મતદાન જારી છે. બિહારમાં ચૂંટણી દરમ્યાન 2,14,696 મતદાતાઓ 1066 ઉમેદવારોના ચૂંટણી ભાવિનો ફેંસલો કરશે. આમાં 952 પુરુષ ઉમેદવારો અને 114 મહિલા ઉમેદવારો છે. ઔરંગાબાદના ઢિબરા વિસ્તારમાં બે IED બોમ્બ જપ્ત કરવામાં આવ્યા છે. CRPFની બોમ્બવિરોધી ટીમ દ્વારા બંને બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે મતદાન કર્યું છે.

સૌથી મોટો જંગ ઇમામગંજ સીટ પર

પહેલા તબક્કામાં કેટલાય દિગ્ગજોના નસીબનો ફેંસલો થશે. આમાં સૌથી મોટો જંગ ઇમામગંજ સીટ પર છે, જ્યાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આ વખતે NDAની સાથે ચૂંટણી લડી રહેલા જીતનરામ માંઝી ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને RJDના નેતા ઉદયનારાયણ ચૌધરીની સામે મેદાનમાં છે. મોકામા સીટ પર RJDના અનંત સિંહ, જમુઈથી ભાજપ માટે આંતરરાષ્ટ્રીય શૂટર શ્રેયસી સિંહ અને ગયા શહેરથી ભાજપ માટે પ્રેમકુમારની કિસ્મતનો ફેંસલો પણ આ તબક્કામાં થશે.

કોરોના મતદાતાઓને છેલ્લા કલાકમાં મતદાન કરવાની તક

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતાં આરોગ્ય વિભાગે દિશા-નિર્દેશનું સખતાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. પહેલા તબક્કામાં 31,380 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. જે સીટો પર 16થી વધુ ઉમેદવારો છે, ત્યાં બે-બે બેલેટ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તબક્કામાં 41,689 બેલેટ યુનિટનો ઉપયોગ થશે. કોરોના સંક્રમિત અથવા વધુ ટેમ્પરેચરવાળા મતદાતાઓને છેલ્લા કલાકમાં મતદાન કરવાની તક મળશે. જિલ્લા ચૂંટણી પદાધિકારી સહિત જિલ્લા પદાધિકારીએ બક્સરમાં મતદાન કર્યું છે અને બક્સર જિલ્લાના મતદાતાઓથી મતદાન કરવાની અપીલ પણ કરી છે.

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં લખીસરાયના એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મશીન ખરાબ થયું હતું. તેમણે રાહ જોવી પડી હતી, પરંતુ તેમણે નિશ્ચય કર્યો હતો કે મતદાન કર્યા વગર અહીંથી નહીં જાઉં.