આંધ્ર પ્રદેશમાં ઓક્સિજન ન મળવાથી 11 કોરોના-દર્દીઓનાં મોત

તિરુપતિઃ આંધ્ર પ્રદેશના તિરુપતિની સરકારી SVR રુઇયા હોસ્પિટલમાં સોમવારે મોડી રાત્રે ICUની અંદર ઓક્સિજનના સપ્લાયમાં સમસ્યા થવાને લીધે કમસે કમ 11 કોવિડ-19 દર્દીઓનાં મોત થયાં છે. ચિત્તુરના જિલ્લાધિકારી એમ હરિ નારાયણને આ માહિતી આપી હતી. ઓક્સિજન સિલિન્ડરને ફરીથી લોડ કરવામાં પાંચ મિનિટ લાગી, જેનાથી ઓક્સિજન પ્રેશર ઘટી ગયું અને દર્દીઓનાં મોત થયાં, એમ તેમણે કહ્યું હતું. જોકે દર્દીઓના પરિવારોનો આક્ષેપ છે કે ઓક્સિજન સપ્લાય 20-25 મિનિટ સુધી ડાઉન હતો. આ ઘટનાના વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે, જેમાં મેડિકલ સ્ટાફ દર્દીઓની સાથે વાદવિવાદ કરતા નજરે ચઢી રહ્યા છે.

હરિ નારાયણને કહ્યું હતું કે ઓક્સિજન સપ્લાય પાંચ મિનિટમાં ચાલુ થયો અને બધું સામાન્ય થઈ ગયું છે. જેને લીધે અમે વધુ દર્દીઓના મોત અટકાવી શક્યા. આશરે 30 ડોક્ટરોને દર્દીઓની દેખરેખ રાખવા તરત  ICUમાં મોકલવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે ઓક્સિજન સપ્લાયમાં અડચણ તામિલનાડુના શ્રીપેરુમ્બુદુરથી આવી રહેલાં ટેન્કરોમાં વિલંબને કારણે થયો હતો. આ હોસ્પિટલમાં 1100 બેડની ક્ષમતા છે. ICUમાં 100થી વધુ દર્દીઓ છે અને ઓક્સિજન બેડ પર 400 દર્દીઓ છે.

જિલ્લાધિકારીએ કહ્યું હતું કે હોસ્પિટલમાં ઓક્સિજનની કોઈ અછત નથી અને પર્યાપ્ત સપ્લાય કરવામાં આવી રહ્યો છે. મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ આ ઘટનાની વિસ્તૃત તપાસ કરવાના આદેશ આપ્યા છે અને અધિકારીઓને આવી ઘટના બીજી વાર ના થાય એ માટે તકેદારી રાખવા નિર્દેશ આપ્યા છે.