નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં વાંદરાઓ રૂ. 35 લાખથી વધુની કિંમતની સુગર ઓળવી ગયાનો હેરાન કરતો કેસ સામે આવ્યો છે. વાસ્તવમાં થોડાં વર્ષો પહેલાં અલીગઢની સાથે સુગર મિલમાં મોટી માત્રામાં સુગરનો જથ્થો સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હતો.
આ સુગરની બજારમાં કિંમત રૂ. 35 લાખથી વધુ છે, પણ જ્યારે અધિકારીઓને આ વિશે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે સુગર તો વાંદરા ખાઈ ગયા છે. આ મામલે હવે FIR નોંધવામાં આવી છે. અહેવાલ અનુસાર સુગર મિલ વર્ષ 2021 પછી બંધ છે, પણ મિલમાં બચેલો સુગરનો સ્ટોક રાખવામાં આવ્યો હતો.
આને લઈને જિલ્લા ઓડિટ અધિકારી, પંચાયત ઓડિટ સમિતિ અને સહકારી સમિતિઓની ટીમ જ્યારે ઓડિટ કરવા પહોંચી તો તેમને માલૂમ પડ્યું હતું કે અહીં સંગ્રહ કરવામાં આવેલો 1137 ક્વિન્ટલ સુગરના જથ્થાનો કોઈ અતોપતો નથી, જ્યારે આ પહેલાં જ્યારે ઓક્ટોબર, 2023માં ઓડિટ કરવામાં આવ્યું હતું, ત્યારે અહીં રાખવામાં આવેલો સુગરનો જથ્થાનો હિસાબ બિલકુલ યોગ્ય રીતે મળતો હતો. આવામાં સવાલ એ છે કે છેવટે કેટલાક મહિનાઓની અંદર 1137 ક્વિન્ટલ સુગરનો જથ્થો ક્યાં ચાલી ગયો? એ વિશે સંબંધિત અધિકારીઓને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેઓ કોઈ તાર્કિક જવાબ નહીં આપી શક્યા. હવે આ મામલે તપાસ ચાલી રહી છે.
સુગર મિલમાં રાખવામાં આવેલો 1137 ક્વિન્ટલ સુગર લાપતા વિશે સંબંધિત અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે મિલમાં ઘણા વાંદરાઓ આવે છે. બની શકે કે વાંદરા સુગર ખાઈ ગયા હોય. જોકે સુગર ગાયબ થવાનું એક કારણ વરસાદ પણ જણાવવામાં આવ્યું છે, પણ સવાલ એ છે કે જો વરસાદને કારણે સુગર ગાયબ થઈ જાય તો માત્ર 1137 ક્વિન્ટલ જ ખતમ થઈ તો બાકીની સુગર કેવી રીતે બચી?