શિમલાઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે નાતાલની રજાના દિવસો દરમિયાન હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળો પર હિમવર્ષા નહીં થાય. આને કારણે આ સ્થળોએ ફરવા આવેલા દેશના જુદા જુદા સ્થળોનાં પર્યટકો નિરાશ થઈ ગયાં છે. હિમવર્ષાનો આનંદ માણવા મળશે એવું ધારીને અસંખ્ય પર્યટકો હિમાચલ પ્રદેશના પાટનગર શિમલામાં આવી પહોંચ્યાં છે.
હવામાન વિભાગના હિમાચલમાંનું મુખ્યાલય શિમલા ખાતે આવેલું છે. તેના દ્વારા આગાહી કરવામાં આવી છે કે 26 ડિસેમ્બરે પશ્ચિમી બાજુએથી આવતા પવનની ગતિમાં નવેસરથી ગરબડ ઊભી થવાની સંભાવના છે. ત્યારબાદ 28 અને 29 ડિસેમ્બરે પણ એવા જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના છે તેથી નાતાલ તહેવાર/રજા-વેકેશનના દિવસો દરમિયાન હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળોમાં હિમવર્ષા થવાની શક્યતા નથી. રાતનું તાપમાન, જે હાલ નીચે ગયું છે, આવનારા અમુક દિવસોમાં ઊંચે જઈ શકે છે.
સૌથી નીચું રાતનું તાપમાન લાહોલ-સ્પિટી જિલ્લાના કુકુમસેરી વિસ્તારમાં નોંધાયું છે – માઈનસ 7.9 ડિગ્રી સેલ્સિયસ. આ જ જિલ્લાના કીલોંગમાં માઈનસ 6.4 ડિગ્રી, કલ્પામાં માઈનસ 4.6, કુલુ જિલ્લાના મનાલીમાં માઈનસ 1.5 ડિગ્રી, શિમલાના નારકંડામાં માઈનસ 2.2 ડિગ્રી. કિન્નૌરના રીકોંગ પીઓમાં માઈનસ 1.3 ડિગ્રી, ચમ્બાના ડેલહાઉઝીમાં 0.8 ડિગ્રી, ધરમશાલામાં 5.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હિમવર્ષા થશે એવું ધારીને અનેક પર્યટકો ગરમ શિયાળુ વસ્ત્રોની ખરીદી કરી રહ્યાં છે, પરંતુ હવે હિમવર્ષા નહીં થાય એવી હવામાન વિભાગની આગાહી બાદ સૌ નિરાશ થઈ ગયાં છે.
