એર ઈન્ડિયાના સીઈઓ-એમડી તરીકે ઈલ્કર આયસીની નિમણૂક

મુંબઈઃ ટાટા સન્સ કંપની તરફથી જાહેરાત કરવામાં આવી છે કે તેણે કેન્દ્ર સરકાર પાસેથી ખરીદી લીધેલી એરલાઈન એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) તરીકે ઈલ્કર આયસીની નિમણૂક કરવામાં આવી છે. એર ઈન્ડિયાની બોર્ડની આજે બપોરે મળેલી બેઠકમાં આયસીની ઉમેદવારી પર વિચારણા કરવામાં આવી હતી. બોર્ડ મીટિંગમાં ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન વિશેષ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડનાં સભ્યોએ પર્યાપ્ત વિચારણા કર્યા બાદ એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી તરીકે આયસીની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હતો. આ નિમણૂક માટે જોકે ભારતના નિયામકની આવશ્યક મંજૂરીઓને આધીન રહેશે. ઈલ્કર આયસી 2022ની 1 એપ્રિલથી શરૂ થશે.

ઈલ્કર આયસી ટર્કિશ એરલાઈન્સના ભૂતપૂર્વ ચેરમેન છે. ચંદ્રશેખરને કહ્યું કે, ઈલ્કર એવિએશન ઉદ્યોગના આગેવાન છે. ટર્કિશ એરલાઈન્સ હાલ જે સફળતાનો આનંદ લઈ રહ્યું છે એ તેણે ઈલ્કરની મુદત દરમિયાન હાંસલ કરી હતી. ઈલ્કરને આવકારતાં ટાટા ગ્રુપને આનંદ થાય છે. તેઓ એર ઈન્ડિયાને નવા યુગમાં દોરી જશે.

ઈસ્તંબુલમાં જન્મેલા આયસીએ કહ્યું કે, સીમાચિન્હરૂપ એરલાઈન એર ઈન્ડિયાનું નેતૃત્ત્વ સ્વીકારતાં અને ટાટા ગ્રુપમાં જોડાતા હું આનંદ અનુભવું છું. એર ઈન્ડિયામાં મારા સહયોગીઓ અને ટાટા ગ્રુપની નેતાગીરી સાથે ગાઢ રીતે સંપર્કમાં રહીને કામ કરીને અમે એર ઈન્ડિયાની વિરાસતનો ઉપયોગ કરીને એને વિશ્વની શ્રેષ્ઠ એરલાઈન્સમાંની એક બનાવીશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]