નવી દિલ્હી/મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક દસ્તાવેજી ફિલ્મ બનાવનાર બ્રિટનની બ્રોડકાસ્ટિંગ સંસ્થા બીબીસીની મુંબઈ તથા નવી દિલ્હીમાંની ઓફિસો પર આવકવેરા વિભાગે પાડેલા દરોડા-ઝડતી-જપ્તીની મેરેથોન કાર્યવાહીનો હવે અંત આવી ગયો છે. આ કાર્યવાહી કુલ 58 કલાક સુધી ચલાવવામાં આવી હતી. આવકવેરા વિભાગ દ્વારા આ દરોડા બીબીસી દ્વારા કથિત ટેક્સ ચોરી કરવા બદલ પાડવામાં આવ્યા હતા.
આવકવેરા અધિકારીઓએ બીબીસીના છેક 2012ની સાલ જૂના એકાઉન્ટ્સ ચેક કર્યા હતા. તેઓ અનેક નાણાકીય સ્ટેટમેન્ટ્સ તથા એકાઉન્ટ્સની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. એવી શંકા છે કે બીબીસી કંપની/સંસ્થાએ ભારતમાં ગેરકાયદેસર રીતે લાભ મેળવ્યો હતો, નફાના નાણાં ગૂપચૂપ રીતે અન્ય માર્ગે વાળ્યા હતા, કરચોરી કરી હતી તથા કિંમતમાં ગોલમાલ કરી હતી. આવકવેરા વિભાગે બીબીસી-ભારતમાંના અધિકારીઓને આદેશ આપ્યો છે કે તે સંસ્થાના નાણાકીય સોદાઓ, કંપનીના માળખા તથા બીજી અનેક પ્રકારની વિગતો પૂરી પાડે. આ દરોડા કાર્યવાહી દરમિયાન આવકવેરા અધિકારીઓએ બીબીસી ટીવી, રેડિયો તથા તંત્રીવિભાગના સભ્યોના કામકાજમાં કોઈ પ્રકારની ખલેલ પડવા દીધી નહોતી કે દખલગીરી પણ કરી નહોતી.