ભોપાલઃ “માફ કરો મહારાજ ! અમારા નેતા શિવરાજ”… આ સ્લોગન પર જ ભાજપ મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી લડી હતી. કોંગ્રેસના કેટલાક કામો ગણાવતા શિવરાજની સફળતાના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશમાં ભલે કોંગ્રેસે સરકાર બનાવી લીધી પરંતુ પાર્ટીમાં જ્યોતિરાદિત્ય અને ભાજપમાં શિવરાજ બંન્ને નેતા સાઈડ લાઈન થઈ ગયા. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે અને મહારાજે કમળ સ્વિકારી લીધું છે. ત્યારે હવે રાજનીતિની દુનિયામાં એ વાતની ચર્ચા છે કે, શું પાર્ટીમાં મહારાજની એન્ટ્રીને શિવરાજ સરળતાથી પચાવી શકશે? સિંધિયાની ભાજપમાં એન્ટ્રીથી શિવરાજ સિંહ ચૌહાણ પર શું અસર પડશે અને હાથનો સાથ છોડીને આવેલા સિંધિયા અને શિવરાજ વચ્ચે શું કેમેસ્ટ્રી બનશે કે કેમ તે સમજવું જરુરી છે. કહેવાય છે કે રાજનીતિમાં કંઈ પણ સ્થાયી હોતું નથી. કદાચ આ જ કારણ છે કે, સિંધિયાના કોંગ્રેસ છોડવા પર જ્યારે તેમને માફિયા અને ગદ્દાર કહેવામાં આવ્યા ત્યારે શિંવરાજ સિંહ ચૌહાણ આગળ આવ્યા અને તેમનો બચાવ કર્યો.
તેમણે કહ્યું કે, જ્યાં સુધી ત્યાં હતા ત્યાં સુધી મહારાજા હતા અને આજે માફિયા કેવી રીતે થઈ ગયા? આ બે અલગ-અલગ પ્રકારના માપદંડો કોંગ્રેસને શોભતા નથી. સિંધિયાને લઈને ભાજપ નેતા શિવરાજ સિંહ ચૌહાણની આ પ્રતિક્રિયા ઘણી વાતો સ્પષ્ટ કરી જાય છે.
આ પહેલા 21 જાન્યુઆરી 2019 ની રાતની એ ઘટના યાદ કરો કે જ્યારે એક મુલાકાતે એમપીની રાજનીતિમાં હડકંપ મચાવી દીધો હતો. આ મુલાકાત જ્યોતિરાદિત્ય સિંધિયા અને શિવરાજ સિંહ ચૌહાણ વચ્ચે થઈ હતી. બંધ બારણે બંન્ને નેતાઓ વચ્ચે 40 મીનિટ સુધી ચર્ચા થઈ હતી. આટલું જ નહી પરંતુ બંન્ને સાથે-સાથે બહાર આવ્યા અને કહ્યું કે વાતચીત સારી રહી. શિવરાજ અને જ્યોતિરાદિત્યએ આને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.
આ મુલાકાતને 13 મહિના જેટલો સમય પસાર થયો છે. શિવરાજ અને જ્યોતિરાદિત્ય મધ્યપ્રદેશની રાજનીતિના બે મોટા ચહેરા છે. ભૂતકાળ પર નજર કરીએ તો માર્ચ 2017 માં એક ચૂંટણી રેલી દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સિંધિયા રાજપરિવાર પર પણ હુમલો કર્યો હતો. ભિંડના અટેરમાં ચૂંટણી સભા કરતા તેમણે અંગ્રેજો સાથે મળેલા હોવાની અને લોકો પર અત્યાચાર કરવાની વાત કહી. શિવરાજ સિંહે કહ્યું હતું કે, 1857 ના સ્વતંત્રતા સંગ્રામમાં નિષ્ફળ થયા બાદ અંગ્રેજો અને અંગ્રેજોની સાથે જ સિંધિયાએ અત્યાચાર કર્યો હતો.
મધ્યપ્રદેશની વર્તમાન રાજનૈતિક સ્થિતિમાં ક્યાંય નહી પરંતુ હવે બંન્ને નેતા એકબીજા માટે જરુરી પણ છે અને રાજનૈતિક મજબૂરી પણ છે. આ વાતને એવી રીતે સમજી શકીએ કે, ભાજપથી રાજ્યસભા ટિકીટ મળવાની સાથે જ્યોતિરાદિત્યની કેન્દ્રીય રાજનીતિમાં ભૂમિકાનો રસ્તો સ્પષ્ટ થઈ જશે. બીજી બાજુ તેમના સમર્થક ધારાસભ્ય ચોથી વાર શિવરાજની સત્તા માટે મદદ કરી શકે છે. શિવરાજને ભાજપની અંદર કૈલાશ વિજયવર્ગીય, પ્રહ્લાદ પટેલ અને નરેન્દ્ર તોમર જેવા નેતાઓ પાસેથી પડકારો મળતા રહ્યા છે. ત્યારે આવામાં સિંધિયાની સાથે જુગલબંધી કરીને તે પોતાની સ્થિતિ વધારે મજબૂત કરી શકે છે.