વારાણસી – ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી ફરીથી લોકસભામાં ચૂંટાઈ આવવા માટે નરેન્દ્ર મોદી ચૂંટણીના જંગમાં ઉતર્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી વારાણસીમાંથી ચૂંટાયા હતા અને વડા પ્રધાન બન્યા હતા. હવે આ જ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે એમણે આજે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે.
ઉમેદવારીપત્રની સાથે મોદીએ સોગંદનામું પણ સુપરત કર્યું છે જેમાં એમણે પોતાની તમામ આવશ્યક અંગત વિગતો પણ દર્શાવી છે.
સોગંદનામા અનુસાર મોદીએ એમની સ્થાવર અને જંગમ મિલકતોની જાણકારી આપી છે. એમની પાસે કુલ રૂ. 2 કરોડ 51 લાખની કિંમતની મિલકત છે.
આ 2 કરોડ 51 રૂપિયાની મિલકતમાં જંગમ મિલકત રૂ. 1.41 કરોડની કિંમતની છે અને સ્થાવર મિલકત રૂ. 1.1 કરોડની છે.
મોદીએ છેલ્લા પાંચ નાણાકીય વર્ષો માટેની પોતાની આવકની વિગતો પણ સુપરત કરી છે. તે અનુસાર, વર્ષ 2018માં એમની વાર્ષિક આવક રૂ. 19 લાખ 92 હજાર હતી, 2017માં રૂ. 14.59 લાખ હતી, 2016માં રૂ. 19.23 લાખ, 2015માં રૂ. 8.58 લાખ અને 2014માં રૂ. 9.69 લાખ હતી.
પ્રાથમિક સૂત્રોના જણાવ્યાનુસાર, મોદીની આવક સરકાર તરફથી મળેલા પગાર અને બેન્કો તરફથી મળેલા વ્યાજની છે.
મોદી પાસે રોકડ રકમ રૂ. 38,750 છે જ્યારે એમના બેન્ક એકાઉન્ટમાં રૂ. 4,143.
મોદીએ જાહેર કર્યું છે કે એમની પાસે રૂ. 1.27 કરોડની કિંમતની ફિક્સ્ડ ડિપોઝીટ્સ છે જે એમણે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં રાખી છે.
એમની પાસે રૂ. 20 હજારની કિંમતના બોન્ડ્સ છે અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSC)માં એમણે રૂ. 7.61 લાખની રકમનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.
મોદી પાસે બે જીવન વીમા પોલિસી છે જેની સરેન્ડર વેલ્યૂ રૂ. 1.90 લાખ થવા જાય છે.
મોદી પાસે પોતાની માલિકીની કોઈ કાર નથી. એમની પાસે માત્ર એક જ રહેણાંક પ્રોપર્ટી છે.
મોદી પાસે સોનાની ચાર વીંટી છે, જે તમામની કુલ કિંમત થાય છે રૂ. 1,13,800. એમની રહેણાંક પ્રોપર્ટી ગાંધીનગરમાં છે જેની કિંમત આશરે છે રૂ. 1,10,00,000. એમની પાસે ન તો કોઈ કમર્શિયલ પ્રોપર્ટી છે કે ન કોઈ કૃષિ કે બિન-કૃષિ જમીન પણ નથી. વળી, કોઈ પણ સરકારી વિભાગને એમણે કોઈ રકમ ચૂકવવાની નીકળતી નથી.
આમ ૧ વર્ષમાં મોદીની સંપત્તિમાં ફક્ત ૨૨ લાખ રૂપિયાનો વધારો થયો છે. ૧૫ વર્ષ ગુજરાતના મુખ્ય પ્રધાન રહ્યા અને પાંચ વર્ષ પીએમ રહ્યા તે છતાં તેમની સ્થાવર અને જંગમ મિલ્કતમાં માત્ર ૨ કરોડનો વધારો થયો છે.
મોદી 2014માં વારાણસીમાંથી 3 લાખ 70 હજાર મતોથી વિજયી બન્યા હતા. એમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતની ચૂંટણીમાં એ વધારે મોટા માર્જિનથી ચૂંટણી જીતશે.