INX મીડિયા કેસમાં ચિદમ્બરમે જામીન માટે હજુ રાહ જોવી પડશે

નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા મની લોન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. સાથે ઈડીને આ મામલે તપાસ રીપોર્ટ સીલબંધ કવરમાં જમા કરાવવા માટે અનુમતિ આપી છે.અત્રે નોંધનીય થે કે સુનાવણી દરમિયાન આજે કોર્ટમાં ઈડીએ ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં વિરોધ રજૂ કર્યો હતો. ઈડીએ દાવો કર્યો છે કે ચિદમ્બરમ અટકાયતમાં છે તો પણ તેમણે જુબાની આપનારાઓને ફોડવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો છે. આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરની જામીન અરજી પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી હતી.

ઈડીની તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ આર ભાનુમથીની અધ્યક્ષતાવાળી બેન્ચને કહ્યું હતું કે આર્થિક અપરાધ ગંભીર છે. તેનાથી દેશની અર્થવ્યવસ્થાને જ નહી પણ પૂરી સીસ્ટમના લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે. આ બેન્ચમાં જસ્ટિસ એ એસ બોપન્ના અને ઋષિકેશ રોય પણ છે.સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું છે કે એવું નથી કે પી. ચિદમ્બરમ નિર્દોષ છે. અને તેમને અંધારામાં રાખવામાં આવ્યાં હોય. આ મામલો માત્ર આઈએનએક્સ મીડિયાનો નથી, તેમાં અન્ય કંપનીઓ પણ સામેલ છે. જેમાં એફઆઈપીબીની મંજૂરી માટે અરજી કરી હતી.

તેમણે આગળ જણાવ્યું હતું કે લોન્ડ્રિંગ એટલે કે શેર હોલ્ડિંગ પેટર્નમાં 16 કંપનીઓ સામેલ હતી. 12 વિદેશી એકાઉન્ટ હતાં 12 વિદેશી સંપત્તિઓની ઓળખ થઈ ગઈ છે. 16 દેશોમાં એવી સંપત્તિઓની જાણકારી મળી છે, કે જેની લિન્ક પી ચિદમ્બરમ સાથે છે.તે પહેલાં જસ્ટિસ આર ભાનુમથીની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સુનાવણી ટાળી દીધી હતી. આ પહેલાં સુનાવણીમાં તેમના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે 21 ઓગસ્ટ 2019ના રોજ પી ચિદમ્બરમની ધરપકડ થઈ છે. ધરપકડના 60 દિવસમાં સીબીઆઈ તરફથી કોઈ ચાર્જશીટ ફાઈલ નથી થઈ અને તેમને જામીન મળી ગયાં છે. હવે ઈડી પણ ચાર્જશીટ દાખલ કરવામાં સફળ થઈ નથી, જેથી જામીન મળવા જોઈએ. આપને જણાવી દઈએ કે આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમની ન્યાયિક અટકાયત 11 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવી છે.