નવી દિલ્હી :નાગરિકતા કાયદાની વિરુદ્ધ ગત અંદાજે 50 દિવસોથી શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શન પર આજે સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે આજે સુનવણી દરમિયાન કહ્યું કે, સાર્વજનિક જગ્યા પર અનંત કાળ માટે વિરોધ કરવામાં ન આવી શકે. કોર્ટે એમ પણ ટકોર કરી કે, શુ તમે સાર્વજનિક જગ્યાઓને કેવી રીતે ઘેરી શકો છો. મામલા પર કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરી છે અને આગામી સુનવણી 17 ફેબ્રુઆરીના રોજ થશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે ક્યારેય પણ આટલા લાંબા સમય સુધી રસ્તા રોકીને બેસો તે યોગ્ય નથી. તમારે પ્રદર્શન માટે કોઈ અલગ જગ્યા પસંદ કરવી જોઈએ. જોકે, કોર્ટે આજે પ્રદર્શનકારીઓને હટાવવાનો કોઈ આદેશ આપ્યો નથી. કોર્ટે કહ્યું કે, આ મામલામાં તમામ પક્ષોને સાંભળવા જરૂરી છે. આજે કોર્ટે દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે.
ઉલ્લેખનીય છે કે, આજે સુપ્રીમ કોર્ટમાં શાહીન બાગને લઈને સુનવણી થઈ હતી. વકીલ અને સામાજિક કાર્યકર્તા અમિત સહાની, બીજેપી નેતા નંદકિશોર ગર્ગ તેમજ અન્ય તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચ આ અરજીઓ પર સુનાવણી કરશે.
આ પહેલા ગત શુક્રવારે શીર્ષ અદાલતે આ અરજી પર સુનવણી કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, અમે આ પરેશાનીથી પરિચિત છીએ, પણ આજે સુનવણી નહી થાય. આ મામલાની સુનવણી સોમવારે થશે. હકીકતમાં, 8 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં મતદાનને પગલે સુનવણી ટાળી દેવાઈ હતી. સાથે જે કોર્ટે કહ્યું કે, જોઈએ છીએ કે આ સમસ્યાનુ કેવી રીતે સમાધાન નીકળી શકે છે.