કરનાલ: હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં આજે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. સામાન્ય લોકો ઉપરાંત કેટલાક જાણીતા ચેહરાઓ પણ મતદાનમાં જોડાયા હતાં. આ દરમ્યાન દિગ્ગજોએ મતદાન કેન્દ્ર સુધી પહોંચવા માટે અલગ રીત અપનાવીને લોકોનું ધ્યાન ખેંચ્યું. જેજેપી પ્રમુખ દુષ્યંત ચૌટાલા પરિવારની સાથે ટ્રેક્ટર પર સવાર થઈને મતદાન મથકે પહોંચ્યા હતો. તો મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કરનાલમાં સાઈકલ ચલાવીને મતદાન મથક પર મત આપવા માટે પહોંચ્યા હતાં.
મહત્વનું છે કે, મનોહરલાલ ખટ્ટર કરનાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સોમવારે મતદાન શરુ થયા બાદ 10 વાગ્યાની આસપાસ ખટ્ટર સાઈકલ ચલાવીને મતદાન મથકે પહોંચ્યા. તેમણે સાઈકલ મારફતે પ્રદેશના લોકોને પર્યાવરણ અંગે જાગૃત રહેવાનો સંદેશો આપ્યો. આ પહેલા ખટ્ટરે લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, મજબૂત સરકાર બનાવવા માટે જનતાનો એક-એક મત નિર્ણાયક છે.
પર્યાવરણ રક્ષાનો સંદેશ
મતદાન કર્યા બાદ સીએમ મનોહરલાલ ખટ્ટરે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, પર્યાવરણની જાળવણી અંગે લોકોને સંદેશ આપવા માટે સાઈકલ ચલાવીને બૂથ પર પહોંચ્યો. કરનાલ રેલવે સ્ટેશનથી પોતાના કાર્યાલય સુધી તે ઈ-રિક્શામાં પહોંચ્યા. આ દરમ્યાન તેમના સિક્યોરિટી ગાર્ડ પણ ઈ-રિક્શામાં જ સવાર હતાં. ત્યારબાદ લોકોને પર્યાવરણની રક્ષા અંગેનો સંદેશો આપવા માટે તે કાર્યાલયથી મતદાન બૂથ સુધી સાઈકલ ચલાવીને પહોંચ્યા હતાં.
સીએમ મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, હું હરિયાણાની જનતાને સંદેશો આપાવ માગુ છું કે, આપણે પર્યાવરણ પ્રતિ સજાગ રહેવું જોઈને તેનું રક્ષણ પણ કરવુ જોઈએ. સીએમ એ વધુમાં કહ્યું કે, કરનાલ સહિત પ્રદેશની અન્ય બેઠકો પર કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ હારેલી બાજી ખેલી રહી છે. તેઓ હાર માની ચૂક્યા છે. ખટ્ટરે આ દરમ્યાન પાર્ટીની જીતને લઈને સંપૂર્ણ આશા વ્યક્ત કરી. તેમણે કોંગ્રેસ પર ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે, ભાજપ હરિયાણામાં બહુમતી લાવી શકે છે.
મહત્વનું છે કે, ખટ્ટર પહેલા જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલા ટ્રેક્ટર પર સવાર થઈને મતદાન કરવા પહોંચ્યા હતા. આ દરમ્યાન તેમની સાથે નૈના ચૌટાલા અને મેઘના ચૌટાલા પણ જોડાયા હતાં. ચૌટાલા ઉચાના કલાંથી જેજેપીના ઉમેદવાર છે.