નવી દિલ્હીઃ દિલ્હીના હૈદરપુર ગામમાંથી એક હેન્ડ ગ્રેનેડ મળી આવતાં સનસનાટી મચી ગઈ છે. જોકે આ હેન્ડ ગ્રેનેડમાં કાટ લાગેલો છે. હાલ એનએસજીની ટીમે આ હેન્ડ ગ્રેનેડને કબજામાં લીધો છો. સ્થાનિક લોકોએ હેન્ડ ગ્રેનેડ મળવાની માહિતી પોલીસ વિભાગને આપી હતી. પોલીસે આ હેન્ડગ્રેનેડને પોતાના તાબામાં લીધો હતો. ત્યાર બાદ પોલીસે એને એનએસજીની ટીમને સોંપ્યો હતો. જોકે તપાસ એ બાબતની થઈ રહી છે કે એ આવ્યો ક્યાંથી? શું એની પાછળ કોઈ મોટું ષડયંત્ર તો નથીને? હેન્ડ ગ્રેનેડ મોટા ભાગે આતંકવાદીઓ ઉપયોગ કરે છે. સુરક્ષા દળો અને નિર્દોષ લોકોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ હેન્ડ ગ્રેનેડ દ્વારા હુમલા કરે છે. હેન્ડ ગ્રેનેડથી જાનમાલનું ભારે નુકસાન થાય છે.
હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ સતર્ક
દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં હિંસા પછી પોલીસ સતર્ક છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ તહેનાત છે. આ સિવાય અફવા ફેલાવવાવાળા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનર એસ. ન. શ્રીવાસ્તવે કહ્યું હતું કે કેટલાક દેશવિરોધી લોકો અફવાઓ દ્વારા દિલ્હીમાં અશાંતિ ફેલાવવા ઇચ્છે છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકોને અફવા ફેલાવવાવાળા વિશે કોઈ પણ માહિતી મળે તો પોલીસ કન્ટ્રોલ રૂમ 112 અથવા 100 નંબર પર માહિતી આપવા અપીલ કરી હતી. દિલ્હી પોલીસ સોશિયલ મિડિયા પર પણ નજર રાખી રહ્યું છે.
પોલીસની તપાસ પછી તેજાબ ફેકટરી સીલ કરાશે
દિલ્હીના શિવ વિહારના ગોવિંદ વિહાર સ્થિત એસિડ ફેક્ટરીનો પોલીસ તપાસ પછી સીલ કરવામાં આવશે. આ એ જ એસિડ ફેક્ટરી છે, જ્યાંથી હિંસાગ્રસ્ત વિસ્તારોમાં એસિડ પહોંચાડવામાં આવ્યો હતો. જેને કારણે ભારે ખુવારી થઈ હતી. અહીં પોલીસ પહોંચી ત્યારે પણ 60,000 લિટર એસિડ મળ્યો હતો. ગંગા જળ લખેલી ટાંકીઓમાં એસિડ ભરેલો હતો. આ ફેક્ટરી અહીં ગેરકાયદે રીતે ચાલતી હતી. તોફાનો દરમ્યાન આ ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો.