નવી દિલ્હીઃ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL)એ શુક્રવારે હિન્દુસ્તાન 228-19 સીટર વિમાન રજૂ કર્યું હતું, આ એરક્રાફ્ટને અર્ધતૈયાર રોડ અથવા પાકા રોડ સિવાયના રનવે પર ઉતારી શકાય છે. બજારમાં આ પ્રકારનાં વિમાનો માટે એક મોટી સંભાવના છે. ભારત અને વિશ્વમાં કેટલાંક એવાં વિમાન છે, જેને ઓછા અંતરના પ્રવાસ માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે અને આવાં વિમાન અર્ધ-તૈયાર રનવે પર ઉતારી શકાય છે, એમ HALના જનરલ મેનેજર અપૂર્વ રોયે કહ્યું હતું.
આવાં વિમાનનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ શકે છે, જેમાં એનો ઉપયોગ એમ્બ્યુલન્સ, કાર્ગો, પેરાડ્રોપ, કે પેરાજામ વગેરે માટે કરી શકાય છે. આ વિમાન બહુ ઉપયોગી છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે કંપની આવાં વધુ છ વિમાન બનાવશે. જોકે આવા 19 સીટરવાળાં વિમાનોમાં શૌચાલય નથી અને આ વિમાનોના એન્જિન ભારતમાં નથી બન્યા. હિન્દુસ્તાન 228ના વિમાનનાં એન્જિન અમે અમેરિકાથી ડોર્નિયર GMBHથી ટ્રાન્સફર કર્યાં છે. આ વિશેષ વિમાનનાં સર્ટિફિકેશનને આધારે એને હિન્દુસ્તાન 228 નામ રાખવામાં આવ્યાં છે. આ વિમાનના પરીક્ષણના બધા માપદંડો પૂરા કરવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું હતું.