નવી દિલ્હીઃ દેશમાં જો સમયસર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ન હોત તો કોરોના સંક્રિમતોની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થયો હોત. આ ઉપરાંત દેશ પાસે એ સમયે કોરોના કેસોની સ્થિતિને સંભાળવી મુશ્કેલ બની જાત. દેશમાં કોવિડ-19ની સ્થિતિ પર કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દેશમાં લોકડાઉનને લીધે લગભગ 20 લાખ કોરોના સંક્રમણને અને 54,000 મરણ થતા રોકી શકાયા છે. સરકારે કહ્યું છે કે આશરે 80 ટકા કેસ પાંચ રાજ્યો –મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પશ્ચિંમ બંગાળ અને દિલ્હીમાં થયા છે. આવામાં કહી શકાય કે દેશમાં કોરોના પ્રકોપ સીમિત ક્ષેત્ર સુધી છે. સરકારે કહ્યું છે કે બે સ્વતંત્ર અર્થશાસ્ત્રી દ્વારા તૈયાર મોડલથી માલૂમ પડ્યું છે કે લોકડાઉનને કારણે કોવિડ-19ના 20 લાખ કેસ અને 68,000 મોતોને ટાળી શકાય છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના જણાવ્યાનુસાર લોકડાઉનને કારણે આશરે 78,000 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારેથી દેશમાં કોવિડ-19ના કેસોનો ડબલિંગ રેટ 3.4 દિવસની હતી, જ્યારે હાલમાં એ 13.3 દિવસ છે. આવામાં જો લોકડાઉન ના લગાવવામાં આવ્યું હોત તો કોરોના કેસમાં ઝડપથી વધારો થાત.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના આંકડા 1,18,000એ પહોંચી ગયા છે. અત્યાર સુધી બપોરે 27 લાખથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે. આ સમયગાળામાં 18,287 ટેસ્ટ ખાનગી લેબમાં કરવામાં આવ્યા હતા. ICMRએ પણ કહ્યું છે કે એક દિવસમાં 1,03829 ટેસ્ટ થયા છે.
ICMRએ કહ્યું છે કે સતત ચોથો દિવસ છે, જ્યારે દૈનિક ધોરણે એક લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશમાં કોવિડ-19ના કેસોની ગતિ ધીમી પડી છે. પ્રારંભમાં ડબલિંગ રેટ વધુ હતો, પણ પછી એ ઓછો થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે અત્યારે કેસ વધુ આવી રહ્યા છે, પણ અન્ય દેશોની તુલનામાં ભારત સારી સ્થિતિમાં છે. મંત્રાલયે કહ્યું છે કે દેશમાં કોવિડ-19 મૃત્યુ દર 3.13 ટકાથી ઘટીને 3.02 ટકા થઈ ગયો છે. રિકવરી રેટ પણ વધીને આશરે 41 ટકા થયો છે.