નવી દિલ્હીઃ રૂ. 2.5 લાખ કરોડની મૂડી ઊભી કરવાના લક્ષ્યાંકના ભાગરૂપે કેન્દ્ર સરકાર દેશના ચાર મોટા એરપોર્ટમાં પોતાનો બચેલો હિસ્સો પણ વેચી દેવા વિચારી રહી છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદના એરપોર્ટમાં એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના બાકીના હિસ્સાને વેચી દેવો અને ખાનગીકરણ માટે વધુ 13 એરપોર્ટની ઓળખ કરવાનું સરકારે આવતા નાણાકીય વર્ષ માટે વિચાર્યું છે. મુલ્કી ઉડ્ડયન મંત્રાલય ઈક્વિટી હિસ્સાનું ડાઈવેસ્ટમેન્ટ કરવા માટે જરૂરી મંજૂરી મેળવશે.
નરેન્દ્ર મોદી સરકારની એરપોર્ટ ખાનગીકરણ યોજનાના પ્રથમ રાઉન્ડમાં અદાણી ગ્રુપે અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલુરુ, તિરુવનંતપુરમ અને ગુવાહાટી – એમ છ એરપોર્ટ માટે ગયા વર્ષે કોન્ટ્રાક્ટ હાંસલ કર્યા હતા. આ માટે તેણે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે એગ્રીમેન્ટ કર્યો છે.