સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ માટે ડિપોઝીટ મર્યાદા ડબલ કરાઈ

મુંબઈઃ કેન્દ્ર સરકારે બજેટ 2023-24માં વરિષ્ઠ નાગરિકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમમાં મહત્તમ રોકાણની અત્યાર સુધીની ૧૫ લાખ રૂપિયાની મર્યાદા વધારીને હવે ૩૦ લાખ રૂપિયા કરવામાં આવી છે.

નોંધનીય છે કે સરકાર દર ત્રણ મહિને આ બચત યોજનાનો દર જાહેર કરે છે. ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ પૂરા થનારા ક્વૉર્ટર માટે સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમનો વ્યાજદર ૮ ટકા રાખવામાં આવ્યો છે. આ યોજનાની મુદત પાંચ વર્ષની છે અને ખાતાધારક વધુ ત્રણ વર્ષ સુધી લંબાવી શકે છે.

અન્ય જાહેરાત મુજબ માસિક આવક યોજના (મંથલી ઇન્કમ સ્કીમ) માટેની સિંગલ નામમાં કરાતા રોકાણ માટેની મર્યાદા ૪.૫ લાખથી વધારીને ૯ લાખ કરવામાં આવી છે.

આ ઉપરાંત, બે વર્ષ માટે મહિલા સમ્માન બચત યોજના લવાશે. એના પર ૭.૭૫ ટકાના દરે વ્યાજ ચૂકવાશે. નાણાપ્રધાને   નવી વન ટાઇમ સ્મૉલ સેવિંગ સ્કીમ લૉન્ચ કરાવાની જાહેરાત પણ કરી છે.