લંડનઃ વૈશ્વિક મિડિયાએ ઉત્તરકાશીમાં બચાવ અભિયાનની ભરપેટ પ્રશંસા કરી છે. ઉત્તરાખંડની સિલ્ક્યારા સુરંગમાં 17 દિવસ સુધી ફસાયેલા 41 શ્રમિકોને સકુશળ કાઢવાના મિશનની વૈશ્વિક મિડિયાએ પ્રશંસા કરી છે અને આ બચાવ અભિયાનનું સીધું પ્રસારણ પણ પોતાના દેશોમાં કર્યું હતું.
BBCએ બચાવ અભિયાન પર નિયમિત અપડેટ આપતાં ન્યૂઝ કવર કર્યા હતા. BBCએ એની વેબસાઇટ પર એક ફોટો અપલોડ કર્યો હતો, જેમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહ સુરંગમાંથી કાઢવામાં આવેલા પહેલા શ્રમિક સાથે મળતા દેખાય છે.CNNએ વિડિયો ફુટેજમાં ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામીને શ્રમિકોથી મળતા બતાવાયા હતા અને મજૂરોને સુરંગમાંથી બહાર નીકળતા બતાવાયા હતા. CNNએ કહ્યું હતું કે ખોદકામ માટેનાં મશીનો ખરાબ થઈ ગયા હતા અને કાટમાળમાં હાથોથી ખોદકામ કરવું પડ્યું હતું અને અન્ય જોખમી રીતોનો ઉપયોગ કરવો પડ્યો હતો.
અલ ઝઝીરા સમાચાર આપ્યા હતા કે 30 કિમી દૂર હોસ્પિટલમાં શ્રમિકોને લઈ જવા માટે સુરંગ પાસે એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી હતી. બ્રિટિશ દૈનિક ધ ગાર્જિયને સમાચાર આપ્યા હતા કે સિલ્ક્યારા સુરંગમાંથી શ્રમિકોને સ્ટ્રેચર પર બહાર કઢાયા હતા અને આ અભિયાનમાં કેટલી મુશ્કેલીઓ અને અડચણો આવી હતી. ન્યૂઝપેપરે રિપોર્ટમાં કહ્યું હતું કે માનવ શ્રમે મશીનરી પર વિજય પ્રાપ્ત કર્યો. લંડનના ટેલિગ્રાફે મુખ્ય સમાચારમાં કહ્યું હતું કે સેનાના એન્જિનિયરો અને ખાણિયાઓને બહાર કાઢવા કેવી રીતે રેટ હોલ ડ્રિલિંગ કર્યું હતું.