ગાંધી 150: મોદીએ સરપંચોને સ્વચ્છતાના સૈનિક ગણાવ્યા

અમદાવાદ- મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવવા માટે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. દેશના 20 હજારથી વધુ સરપંચોના મહાસંમેલનમાં વડાપ્રધાને ગ્રામીણ ભારતને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત ગણાવતા કહયું હતું કે, ગ્રામીણ ભારતે પોતાને ખુલ્લામાં શૌચમુક્ત કર્યો છે.

વડાપ્રધાને સમારોહમાં ઉપસ્થિત સરપંચોને સ્વચ્છતાના સૈનિક ગણાવ્યા હતા. ગુજરાતને ચક્રધારી અને ચરખાધારી મોહનની ભૂમિ ગણાવતાં તેમણે કહયું હતું કે, મહાત્મા ગાંધીએ સાબરમતીની આ ભૂમિ પરથી જ સત્યાગ્રહ અને સ્વચ્છાગ્રહની શરૂઆત કરી હતી.

આ પહેલાં વડાપ્રધાને સ્વચ્છતા અને ગાંધીને લગતા એક પ્રદર્શનને પણ નિહાળ્યું હતું.

સમારોહમાં ગુજરાતને રાષ્ટ્રીય ગ્રામીણ સ્વચ્છતા હેઠળ સ્વચ્છ રાજયનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

60 મહિનામાં 60 કરોડની વસતિને શૌચાલયની સુવિધા આપી હોવાનો દાવો કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનમાં આજના આ કાર્યક્રમને મહત્વનો ગણાવતાં કહયું હતું કે હવે દીકરીઓ પણ લગ્ન માટે શૌચાલયની શરત મૂકતી થઇ છે એ આ અભિયાનની સફળતા છે. શૌચાલય ધરાવતા ઘરને ઇજજત ઘરનો દરજ્જો મળ્યો છે.

જો કે આ સ્થિતિને ફક્ત એક પડાવ ગણાવતાં તેમણે કહયું હતું કે, હજુ આપણે ઘણું કામ કરવાનું છે. સ્વચ્છતા માટે તેમણે પ્લાસ્ટિકને પણ મોટો ખતરો ગણાવ્યો હતો.

વડાપ્રધાને ન્યૂ ઇન્ડિયાના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કરતાં ન્યૂ ઇન્ડિયાને બાપુના સ્વપ્નનું ભારત ગણાવ્યું હતું.

 

અગાઇ એરપોર્ટ પર સભાને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાત આવવું મારા માટે હંમેશા ગર્વની વાત છે. તમને લોકોને મળી ન શકવાની ખોટ મને હંમેશા રહે છે. આજે તમને લોકોને મળીને મને ઘણો આનંદ થઈ રહ્યો છે. વિશ્વમાં આજે ભારતના પાસપોર્ટની તાકાત વધી છે. ભારતના પાસપોર્ટને સમ્માનની નજરથી જોવામાં આવે છે. દુનિયામાં ભારતની તાકાત વધી રહી છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતની સ્વીકૃતિ, ભારત પ્રત્યે સમ્માન, આ બધુ સહજ આવે છે. હું 2014માં ચૂંટણી જીત્યા પછી પ્રથમ વખત યૂએનમાં ગયો હતો, ત્યાં મને વ્યક્તવ્ય આપવાની તક મળી હતી.