ગંભીર બીમારીઓની સારવાર માટેની દવાઓને કસ્ટમ-ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક મોટું ભગલું ભરતાં બધા પ્રકારની ગંભીર બીમારીઓની સારવાર માટે ખાનગી ઉપયોગમાં આયાત કરવામાં આવતી બધી દવાઓ અને ખાદ્ય પદાર્થો પરથી કસ્ટમ ડ્યુટીમાં પૂરી છૂટ આપી દીધી છે. નાણા મંત્રાલયે કહ્યું હતું કે ગંભીર બીમારીઓ માટે નેશનલ પોલિસી ફોર રેર ડિસીઝ 2021 હેઠળ યાદીમાં સમાવિષ્ટ ગંભીર બીમારીઓ માટે દવાઓ પર આ છૂટ લાગુ પડશે. એનાથી અસાધ્ય અને ગંભીર બીમારીઓની સારવાર કરી રહેલા દર્દીઓને લાભ થશે. એ સાથે સરકારે કેન્સરની દવાને પણ કસ્ટમ ડ્યુટીમાંથી છૂટ આપી છે.

સામાન્ય રીતે દવાઓ પર 10 ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે, જ્યારે કેટલીક જીવનરક્ષક દવાઓ અને રસીઓ પર છૂટની સાથે પાંચ ટકા ટેક્સ લાગે છે અથવા એને સંપૂર્ણ રીતે ડ્યૂટી ફ્રી રાખવામાં આવે છે. આ રોગોની સારવાર માટે જરૂરી દવાઓ અથવા વિશેષ ખાદ્ય પદાર્થ મોંઘાં હોય છે અને એને આયાત કરવાની જરૂરી હોય છે. એક અંદાજ લગાવવામાં આવે છે કે 10 કિલો વજનવાળા બાળક માટે કેટલીક ગંભીર બીમારીઓની સારવારની વાર્ષિક ખર્ચ રૂ. 10 લાખથી પ્રતિ વર્ષ રૂ. એક કરોડથી વધુ હોવાની શક્યતા છે, જેમાંથી સારવાર આજીવન અને દવાનો ડોઝ અને ખર્ચ, ઉમર અને વજનની સાથે વધતો રહે છે.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે  આ છૂટથી ગણી ખર્ચમાં બચત થશે અને દર્દીઓને રાહત મળશે. સરકારે વિવિધ કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી પેમ્બ્રોલિજુમાબ (કિટુડા)ને પણ બેઝિક કસ્ટમ ડ્યૂટીમાંથી સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.