નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઈશરત જહાંની દિલ્હી પોલીસે તોફાનો ફેલાવવાના આરોપમાં ધરપકડ કરી છે. ઈશરતને 14 દિવસ માટે ન્યાયીક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઈશરત જહાં છેલ્લા 50 દિવસથી દિલ્હીના ખુરેજીમાં સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરી રહી હતી. ગત રવિવારના રોજ ખુરેજી રોડ જામ કરવામાં ઈશરત જહાંનું નામ આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદાને લઈને હિંસા ભડક્યા બાદ શનિવારના રોજ ઉત્તર પૂર્વ દિલ્હીમાં મોટાભાગની જગ્યાઓ પર માહોલ શાંત છે.
જે જગ્યાઓ પર હિંસા થઈ છે તેની આસપાસના ક્ષેત્રોમાં વધારે લોકો એકત્ર થવા પર અથવા તો પછી કોઈ મોટી સભા કરવા પર હજી પ્રતિબંધ છે. ઉત્તર પૂર્વના દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યારસુધીમાં 42 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે ઉત્તર દિલ્હી નગર નિગમે સાર્વજનિક સ્થાનોથી મોટાભાગનો જે કાટમાળ હતો તે હટાવી લીધો છે. હિંસામાં 300 થી વધારે લોકો ઘાયલ થયા છે. પોલીસે અત્યારસુધીમાં 123 જેટલી ઓફઆઈઆર નોંધી છે અને 630 જેટલા લોકોની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે હિંસાના મામલાઓની તપાસ માટે બે એસઆઈટી બનાવી છે. ચોવીસ ફેબ્રુઆરી બાદથી ઉત્તર પૂર્વ દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સાત હજારથી વધારે સુરક્ષા દળોને તેનાત કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મદદ માટે પોકાર કરતા લોકોએ આશરે સાડા ત્રણ હજાર જેટલા લોક પોલીસને કર્યા પરંતુ કોઈ જવાબ ન મળ્યો. ઉલ્લેખનીય છે કે, ઉપદ્રવીઓએ દિલ્હીના યમુના વિહારમાં ઘણા મકાનો, દુકાનો, અને ગાડીઓને આગ લગાવી દીધી અને પથ્થરમારો કરતા રહ્યો, તો સ્થાનિક ભાજપના કોર્પોરેટરે જણાવ્યું કે, જ્યારે પોલીસને અમે ફોન કર્યો ત્યારે કોઈ જવાબ ન મળ્યો.