નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટની વચ્ચે લોકો માટે એલપીજી સિલિન્ડરને લઈને સારા સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલ અને ગેસની કિંમતોમાં સતત ઘટાડો થવાને કારણે સરકારને એલપીજી બહુ સસ્તી કિંમતે મળી રહી છે. આને કારણે સરકારને હવે સ્થાનિક બજારમાં ગ્રાહકો પર અપાતી સબસિડીમાં કોઈ ખર્ચ કરવો નથી પડતો. આનો સીધો મતલબ એ થયો કે હવે એલપીજી સિલિન્ડર પર સબસિડી શૂન્ય પર પહોંચી ગઈ છે.
સરકારને પ્રતિ સિલિન્ડર પર રૂ. 120ની કમાણી
હવે જ્યારે સબસિડી ઝીરો થઈ છે, તેમ છતાં સરકારે પાછલા કેટલાક મહિનાઓથી સ્થાનિક ગ્રાહકો માટે ગેસ સબસિડીવાળા સિલિન્ડરની કિંમતો વધારી રાખ્યા છે. આવામાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગેસ સસ્તી મળતાં અને સ્થાનિકમાં ભાવ ના ઘટાડવાને પરિણામે સબસિડી લગભગ શૂન્યના બરાબર થઈ ગઈ છે. ઊલટાનું હવે સરકારને પ્રતિ સિલિન્ડરે રૂ. 120ની કમાણી થઈ રહી છે. કેન્દ્ર સરકારે જાન્યુઆરી, 2015થી ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT સ્કીમની શરૂઆત કરી હતી. જેના હેઠળ ઉપભોક્તાને એલપીજી સિલિન્ડરોની પૂરી કિંમત ચૂકવવાની અને સરકાર તેમની સબસિડી સીધા તેના ખાતાંઓમાં જમા કરતી હતી.
આ પહેલા ઓઇલ કંપનીઓ ગ્રાહકોને પડતરથી ઓછી કિંમતે એલપીજી સિલિન્ડર વેચતી હતી, જેથી સરકાર દ્વારા તેમને નુકસાન ભરપાઈ કરી આપવામાં આવતું હતું, પણ સરકારે ઓક્ટોબર, 2017 અને જુલાઈ, 2019ના દરમ્યાન ગેસ સબસિડીવાળાં સિલિન્ડરોની કિંમતો સ્થિર કરી દીધી હતી.