નવી દિલ્હી- યૂપીની સાયબર પોલીસે છેતરપિંડી કરનારી એક એવી ગેંગને પકડી પાડી છે જેમાં બહારના નહીં પણ ઘરના જ બધાં લોકો સામેલ હતાં. ઘેર બેઠાંબેઠાં જ આ લોકો દેશભરમાં છેતરપિંડીનું નેટવર્ક ચલાવતાં હતાં. ચોંકાવનારી વાત એ છે કે, દેશભરમાં છેતરપિંડીનો આ ગોરખધંધો આગરાથી દૂર એક વિસ્તારમાંથી ચલાવી રહ્યાં હતાં. પકડાઈ ગયેલાં લોકોના અન્ય સગાસંબંધીઓ પણ આ જ રીતે ગેંગ બનાવીને દેશભરમાં નોકરીના નામે છેતરપિંડીનું નેટવર્ક ચલાવી રહ્યાં હતાં.
આ ગેંગને ખુલ્લી પાડનાર સાયબર ક્રાઈમ યૂનિટના ઈન્સ્પેક્ટર શૈલેષકુમાર સિંહે જણાવ્યું કે, ગેંગનો મુખિયો મુકેશ છેલ્લાં 10 વર્ષથી આ નેટવર્ક ચલાવી રહ્યો હતો. જાણીતા સમાચાર પત્રોમાં નોકરીની આકર્ષક જાહેરાત આપતાં હતાં. જાહેરાતમાં આપેલા ફોન નંબર પર સંપર્ક કરવા માટે કહેવામાં આવતું હતું. લોકો જાહેરાતમાં આપેલા નંબર પર ફોન કરે ત્યારે તેમને 550 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરવા માટે કહેવામાં આવતું હતું. ફી જમા કરાવ્યાંના થોડા દિવસો પછી એ જ વ્યક્તિને ફરીથી ફોન કરવામાં આવતો હતો અને ટેલિફોનિક ઈન્ટરવ્યૂના નામે 15000 રૂપિયા એકાઉન્ટમાં જમા કરાવવાનું કહેવામાં આવતું હતું. પૈસા ખાતામાં જમા થવાની સાથે જ મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવતો હતો.
ઈન્સપેક્ટર શૈલેષ કુમાર સિંહના જણાવ્યા અનુસાર સાયબર ક્રાઈમ યૂનિટને મુંબઈ અને અમદાવાદથી બે ઈમેલ મળ્યા હતાં. આ ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે, જાણીતા સમાચારપત્રોમાં નોકરી આપવાના નામ પર જાહેરાત આપીને રજિસ્ટ્રેશન અને સિક્યોરિટીના નામ પર યૂપીના બેંક ખાતામાં રકમ જમા કરાવીને છેંતરપિંડી આચરવામાં આવી રહી છે. મામલાને ગંભીરતાથી લેતા આઈજી એ. સતીશ ગણેશે સાયબર યૂનિટને તાત્કાલિક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતાં. આ રીતે તપાસ હાથ ધરતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સમગ્ર ગેંગને ઝડપી પાડી હતી.
સાયબર ટીમે જ્યારે ગેંગના મુખ્યા મુકેશ બાબૂના ઘરે દરોડા પાડ્યાં તો પોલીસ પણ એમના ઘરને જોઈને ચોંકી ગઈ હતી. આ કોઈ સામાન્ય ઘર ન હતું. દેહાત વિસ્તારમાં હોવા છતાં પણ ઘરમાં કિંમતી ઈન્ટીરિયર અને ફર્નિચર કરાવવામાં આવ્યું હતું. ઘરમાં શણગારનો કોઈ પણ સામાન સસ્તો ન હતો. સમગ્ર પરિવાર વૈભવી જીવન જીવી રહ્યો હતો. બાઈકો અને કારની પણ લાઈનો હતી.
શૈલેષ કુમાર સિંહના અનુસાર પકડાયેલા મુકેશ બાબૂના બે સાળા પણ છેતરપિંડીનો આ ધંધો ચલાવી રહ્યાં હતાં. તેમની પણ અલગ અલગ ગેંગ હતી. ગેંગમાં પરિવારના જ સભ્યો સામેલ છે. મુકેશ બાબૂએ લગ્ન પછી તેમના સાળાઓને આ ઠગનો ધંધો શિખવાડ્યો હતો.