ભેળસેળને કારણે ખાદ્ય તેલના છૂટક વેચાણ પર કેન્દ્રનો પ્રતિબંધ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ઉપભોક્તા મામલે ખાદ્ય અને જાહેર વિતરણપ્રધાન રામ વિલાસ પાસવાને ખાદ્ય તેલમાં ભેળસેળની ગંભીરતાને જોતાં અને એને અટકાવવા માટે રાજ્ય સરકારોને ખાદ્ય તેલના છૂટક વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ જારી કર્યો છે. કેન્દ્રીય પ્રધાને એક ટ્વીટ દ્વારા રાજ્ય સરકારોને ખાદ્ય તેલના છૂટા વેચાણને તત્કાળ અટકાવી દેવાની સૂચના આપી છે.

નિયમો વિરુદ્ધ ખાદ્ય તેલના ખુલ્લું વેચાણ   

પાસવાને કહ્યું હતું કે ખાદ્ય તેલનું છૂટક વેચાણ નિયમોની વિરુદ્ધમાં થતું હોવાની સતત ફરિયાદો મળી રહી છે, જેથી ભેળસેળનું જોખમ છે. મંત્રાલય દ્વારા રાજ્યોને લખેલા પત્રમાં ખાદ્ય તેલના છૂટક વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે રાજ્યોને ખાદ્ય તેલમાં ભેળસેળ થતી રોકવા કડક પગલાં લેવા માટેના નિર્દેશ આપ્યા છે.

ખાદ્ય તેલના છૂટક વેચાણની ફરિયાદ

આ પત્ર કેન્દ્રીય ઉપભોક્તાના મામલે ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળના ગ્રાહકો બાબતોનાં વિભાગમાં એડિશનલ સચિવ નિધિ ખરે દ્વારા રાજ્યોના ખાદ્ય સચિવો અને મુખ્ય સચિવોને ગઈ કાલે પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે વિભાગને ખાદ્ય તેલના છૂટક વેચાણ થવાની ફરિયાદ મળી છે, જેના પર પ્રતિબંધ મૂકવામાં આવે.

આના પર કડક કાર્યવાહી થવી જોઈએ

પાસવાને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે સતત ફરિયાદો મળી રહી છે કે બજારમાં નિયમોની વિરુદ્ધ ખાદ્ય તેલનું છૂટક વેચાણ થઈ રહ્યું છે, જેમાં ભેળસેળનું જોખમ છે. ગ્રાહકો બાબતોના વિભાગે રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો છે કે નિર્ધારિત પેકિંગ વગર દૂષિત તેલના થઈ રહેલા છૂટક વેચાણ પર તત્કાળ પ્રતિબંધ મૂકવામાં આવે.

ગ્રાહક બાબતોના વિભાગે કહ્યું છે કે લીગલ મેટ્રોલોજી વિભાગના કન્ટ્રોલર્સને એડવાઇઝરી જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે તેઓ લીગલ મેટ્રોલોજીના કાયદાનું પાલન કરે.