કાનપુર – દેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવેલી ફાસ્ટેસ્ટ ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ને ગઈ કાલે ફરી નુકસાન થયું. આ સેમી-હાઈ સ્પીડ ટ્રેન શનિવારે સાંજે લગભગ 7.45 વાગ્યે કાનપુર અને ટુંડલા સ્ટેશનો વચ્ચે દોડતી હતી ત્યારે એક ઉડતો પથ્થર મેઈન ડ્રાઈવરની કેબિનના સ્ક્રીન સાથે અથડાયો હતો. એટલું જ નહીં, બીજા પથ્થરો ટ્રેનના છ ડબ્બાઓની બારીઓ સાથે ભટકાયા હતા જેને કારણે બારીઓમાં તિરાડ પડી ગઈ હતી.
‘વંદે ભારત એક્સપ્રેસ’ દોડતી હતી ત્યારે બાજુના પાટા પરથી દિબ્રુગઢ રાજધાની પસાર થઈ હતી. એની હડફેટે કોઈક જનાવર આવી ગયું હતું. એને કારણે પથ્થરો ઉડ્યા હતા અને તે ‘વંદે ભારત એક્સપ્રેસ’ સાથે અથડાયા હતા.
અચાનક પથ્થરો પડવાનો અવાજ થતાં ટ્રેનનાં ડ્રાઈવરો તથા પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા.
એક પથ્થર ડ્રાઈવરની કેબિનના વિન્ડસ્ક્રીન સાથે અથડાયો હતો અને બીજા પથ્થરો C4, C6, C7, C8, C13 ડબ્બાઓની એક-એક અને C12 ડબ્બાની બે બારી પર પડ્યા હતા. બારીઓને નુકસાન થયું છે.
ટ્રેનને થોડીક મિનિટો માટે અટકાવી દેવામાં આવી હતી.
ટ્રેનની સાથે જ પ્રવાસ કરી રહેલી ટેકનિકલ ટીમે ટ્રેનને થયેલા નુકસાનની ચકાસણી કરી હતી અને કાળજીપૂર્વના અભ્યાસ બાદ ટ્રેનને સફરમાં આગળ વધવા માટે અને તેની નોર્મલ સ્પીડ સાથે જ દોડવા માટે ફિટ જાહેર કરી હતી. ટ્રેન રાતે 11.05 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશને પહોંચી હતી.
નુકસાન પામેલી બારીઓ પર ટેકનિકલ ટીમના સભ્યોએ સેફ્ટી શીટ્સ લગાડી દીધી હતી.
નવી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડાવવામાં આવતી ‘વંદે ભારત એક્સપ્રેસ’ પર આ પહેલાં પણ એક વાર અજાણ્યા ઈસમોએ પથ્થર ફેંકીને નુકસાન પહોંચાડ્યું હતું અને બે વાર ટેકનિકલ ખામી સર્જાતાં એની સેવાને માઠી અસર પડી હતી.
આ ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલવે સ્ટેશનેથી લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ 17 ફેબ્રુઆરીથી ટ્રેને કમર્શિયલ પ્રવાસો શરૂ કરી દીધા હતા.
આ ટ્રેન દર સોમવાર અને ગુરુવાર સિવાય સપ્તાહમાં પાંચ વાર દોડાવવામાં આવે છે.