ચંપઈ સરકારનો ફ્લોર ટેસ્ટઃ હાઇકોર્ટથી સોરેનને રાહત નહીં

રાંચીઃ ઝારખંડના રાજકરાણ માટે આજે મોટો દિવસ છે. ઝારખંડના નવા મુખ્ય મંત્રી ચંપઈ સોરેનના નેતૃત્વવાળી સરકારનો વિધાનસભા સત્રના પહેલા દિવસે ફ્લોર ટેસ્ટનો દિવસ છે. ઝારખંડના પૂર્વ સીએમ અને JMM નેતા હેમંત સોરેનની ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજ્યના રાજકારણ માટે સોમવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યો છે. તેઓ રાજ્ય વિધાનસભામાં પહોંચી ચૂક્યા છે. એ સાથે સરકારનું ભવિષ્ય પણ નક્કી થઈ જશે.  

ઝારખંડ વિધાનસભાનું સત્ર શરૂ થઈ ચૂક્યું છે. ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળી ગઠબંધનના વિધાનસભ્યોએ વિશ્વાસ મત જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જ્યારે ભાજપે કહ્યું હતું કે ચંપઈ સરકાર વિશ્વાસ મત હાંસલ નહીં કરી શકે. રાજ્યના મંત્રી આલમગીર આલમે કહ્યું હતું કે અમારા વિધાનસભ્યો એકજૂટ છે અને અમારી પાસે 81 સભ્યોવાળી સંસદમાં 48થી 50 વિધાનસભ્યોનું સમર્થન છે.

ચંપઈ સોરેનનની સરકારે સોમવારે ઝારખંડ વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે. અગાઉ, ધારાસભ્યોના હોર્સ-ટ્રેડિંગને રોકવાના ઉદ્દેશ સાથે  JMM અને કોંગ્રેસના ધારાસભ્યોને કોંગ્રેસ શાસિત રાજ્ય તેલંગાણામાં હૈદરાબાદ મોકલવામાં આવ્યા હતા. સોમવારે યોજાનાર ફ્લોર ટેસ્ટ પહેલાં ગઠબંધનના તમામ ધારાસભ્યો રવિવારે જ રાંચી પરત ફર્યા હતા. ઝારખંડ વિધાનસભામાં JMM-કોંગ્રેસ-RJD ગઠબંધનના 47 વિધાનસભ્યો છે. સત્તારૂઢ ગઠબંધનના વિધાનસભ્યોએ રવિવારે સાંજે હૈદરાબાદથી રાંચી પરત ફર્યા પછી વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બીજી બાજુ, ચંપઈ સોરેન સરકારના ફ્લોર ટેસ્ટની વચ્ચે ધરપકડની વિરુદ્ધ હેમંત સોરેન તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર હાઇકોર્ટે EDથી જવાબ માગ્યો હતો. HCએ નવ ફેબ્રુઆરી સુધી જવાબ દાખલ કરવા આદેશ આપ્યા છે. આ મામલે હવે આગામી સુનાવણી 12 ફેબ્રુઆરીએ થશે.