પહેલું રફાલ વિમાન આ વર્ષના સપ્ટેંબરમાં ભારત આવી પહોંચશે

નવી દિલ્હી – રફાલ ફાઈટર જેટ વિમાનોની ખરીદીની પ્રક્રિયા નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહી છે અને પહેલું વિમાન આ વર્ષના સપ્ટેંબરમાં ભારતને ડિલીવર કરવામાં આવશે.

આ જાણકારી ભારતીય હવાઈ દળના એક અધિકારીએ આજે આપી છે.

પહેલા વિમાનની ડિલીવરીની પ્રક્રિયા ફ્રાન્સમાં કરાશે અને ત્યારબાદ વિમાનને ભારત લાવવામાં આવશે.

વાયુ શક્તિ કવાયત વખતે પત્રકારો સાથેની વાતચીતમાં ભારતીય હવાઈ દળના વડા એર માર્શલ અનિલ ખોસલાએ કહ્યું હતું કે રફાલ જેટ વિમાનોનો ઉમેરો થયા બાદ ભારતીય હવાઈ દળની લડાઈમાં સામનો કરવાની ક્ષમતા વધી જશે.

દરમિયાન, કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ આજે એક અખબારી અહેવાલનો સહારો લઈને એવો આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રફાલ જેટ વિમાન સોદામાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીના વચેટિયા તરીકે કામ કર્યું હતું. મોદીએ ઓફિશિયલ સીક્રેટ્સ એક્ટ (OSA)નો ભંગ કર્યો છે અને દેશદ્રોહની પ્રવૃત્તિમાં ભાગ લીધો છે, જેને માટે એમની સામે પગલું ભરવું જ જોઈએ.

અનિલ અંબાણીએ જોકે તમામ આરોપોને રદિયો આપ્યો છે અને એને પાયાવિહોણા ગણાવ્યા છે.

રાહુલ ગાંધીએ પત્રકારો સમક્ષ એક ઈમેલ રજૂ કર્યો હતો જે 2015ની 28 માર્ચની તારીખનો હતો. તે ઈમેલ એરબસ એક્ઝિક્યૂટિવ નિકોલસ શેમુઝીએ લખ્યો હતો અને એ ત્રણ જણને મોકલાવ્યો હતો. એના વિષયમાં લખવામાં આવ્યું હતું ‘અંબાણી’.

રાહુલે દાવો કર્યો હતો કે આ ઈમેલ પરથી નિર્દેશ મળે છે કે અંબાણીએ તે વખતના ફ્રેન્ચ સંરક્ષણ પ્રધાન જ્યાં-વીઝ લ ડ્રિયાનની ઓફિસની મુલાકાત લીધી હતી. રાહુલે એવો પણ દાવો કર્યો હતો કે એક સમજૂતી તૈયાર કરવામાં આવી રહી હતી અને વડા પ્રધાન મોદીની મુલાકાત વખતે એની પર સહીસિક્કા કરવાનો ઈરાદો હતો.

રિલાયન્સ ડીફેન્સ કંપનીનાં એક પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે રાહુલ ગાંધીએ એમના નવા આરોપમાં ટાંકેલા કથિત ઈમેલમાં ઉલ્લેખ કરાયેલી સૂચિત સમજૂતી એ એરબસ હેલિકોપ્ટર સાથે કંપનીના સહકારને લગતો એક ઉલ્લેખ છે અને એને રફાલ જેટ ફાઈટર સાથે કોઈ લેવાદેવા નથી.