શ્રીનગર – જમ્મુ અને કશ્મીર રાજ્યમાં, શ્રીનગરથી આશરે 141 કિ.મી. દૂર પહાડો પર આવેલી બાબા અમરનાથની ગુફાનાં દર્શન માટે 46-દિવસ ચાલનારી આ વર્ષની અમરનાથ યાત્રાનો આજે પહેલો દિવસ હતો. આજે પહેલા દિવસે 8000 જેટલા લોકોએ ગુફાની મુલાકાત લીધી હતી અને બર્ફાની બાબાનાં દર્શન કર્યા હતા.
અમરનાથ ગુફા દરિયાઈ સપાટીથી 3,888 મીટર (12,756 ફૂટ) ઊંચે આવેલી છે. હિન્દુ ધર્મમાં આ સૌથી પવિત્ર યાત્રાસ્થળોમાંનું એક ગણાય છે. દર વર્ષે હજારો-લાખો હિન્દુ ભક્તો-શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા પર આવતા હોય છે. પહાડી રસ્તાઓ પર થઈને ગુફા ખાતે જવાનું હોવાથી આ યાત્રા આકરી ગણાય છે.
આ યાત્રા જુલાઈથી શરૂ થઈ ઓગસ્ટ સુધી ચાલતી હોય છે.
આ યાત્રામાં બે માર્ગેથી પવિત્ર ગુફાએ જઈ શકાય છે. એક, પરંપરાગત માર્ગ છે 36 કિ.મી.નો અનંતનાગ જિલ્લા પહેલગામ થઈને અને બીજો છે, 14 કિ.મી.નો બલતાલ (ગંડેરબાલ જિલ્લામાં).
બલતાલ બેઝ કેમ્પથી આજે સવારે યાત્રીઓનો પહેલો જથ્થો રવાના થયો હતો. ગંડેરબાલના પોલીસ અધિકારીઓએ સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.
જમ્મુ અને કશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકના સલાહકાર કે.કે. શર્માએ જમ્મુ બેઝ કેમ્પ ખાતે પૂજા કરાવ્યા બાદ ભક્તોના પહેલા જૂથને રવાના કરાવ્યું હતું.
આ વખતની યાત્રા માટે એક લાખથી વધારે યાત્રાળુઓએ એમના નામ નોંધાવ્યા છે. યાત્રા 15 ઓગસ્ટે પૂરી થશે.
યાત્રા સુખરૂપ પાર પડે એ માટે સીઆરપીએફ તથા જમ્મુ-કશ્મીર પોલીસ દળના મળીને કુલ 40 હજાર સશસ્ત્ર જવાનો પહેરો ભરી રહ્યા છે.