રામાયણ-મહાભારતને અફીણ ગણાવતા પ્રશાંત ભૂષણ સામે ફરિયાદ

રાજકોટ: લોકડાઉનના દિવસોમાં દેશવાસીઓને મનોરંજન પૂરુ પાડવાના ઉદેશ્યથી દૂરદર્શન પર રામાયણ અને મહાભારતનું ટેલિકાસ્ટ ફરી શરૂ કરાયું છે. દિલ્હીના નામાંકિત વકીલ પ્રશાંત ભૂષણે તેના ટ્વિટર એકાઉન્ટમાં રામાયણ અને મહાભારતને અફીણનો નશો ગણાવતા વિવાદ શરુ થયો છે. આ મામલે વ્યક્તિગત અને કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાના આરોપ હેઠળ રાજકોટમાં રહેતા રીટાયર્ડ આર્મી ઓફિસરે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વકીલ પ્રશાંત ભૂષણ સહિતના સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ નિવૃત આર્મી ઓફિસર જયદેવ રજનીકાંત જોશીએ ભકિતનગર પોલીસમાં લેખીત ફરિયાદ આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે દિલ્હીના નામાંકિત વકીલ પ્રશાંત ભૂષણે ગત 28 માર્ચના તેના ટ્વિટર એકાઉન્ટ હેન્ડલના માધ્યમથી ટ્વીટ કર્યુ હતું. જેમાં રામાયણ અને મહાભારત માટે અફીણ શબ્દ વાપરી ફરીયાદીની તેમજ કરોડો હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડી હતી. આ ટ્વીટના સમર્થનમાં અશ્લીન મેથ્યૂ અને કન્નન ગોપીનાથનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય વ્યક્તિ સામે આઈપીસી ક્લમ 295(એ), 505(1)(બી), 34/120(બી) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, દેશભરની અદાલતોમાં સાક્ષીઓને તેમનાં પુરાવા રેકર્ડ કરતાં પહેલાં શપથ લેવડાવાય છે. ભગવાનનાં નામ પર હિન્દુ ધર્મનું પાલન કરતાં વ્યક્તિઓને આ શપથ લેવડાવાય છે. જેથી રામાયણ અને મહાભારતને અફીણ તરીકે ઓળખાવવું તે ભગવાનનાં નામ પર શપથ લેનારા અદાલતોની સત્તાને નબળી પાડવાનું છે. મહાભારત શ્રીમદ્ ગીતામાંથી નીકળ્યું છે અને ધર્મ નિરપેક્ષતાની આડમાં કોઈને પણ શ્રીમદ્ ભાગવત ગીતા, રામાયણ અથવા મહાભારત જેવા ધાર્મિક ગ્રંથો તરફ આંગળી ચીંધવાનો અધિકાર નથી.