હોળી પર યસ બેન્ક પર નાણાકીય સંકટની હોળી

નવી દિલ્હીઃ ગયા વર્ષે દિવાળીએ મહારાષ્ટ્રની  પીએમસી બેન્કમાં નાણાકીય સ્થિતિ ખરાબ થઈ હતી અને આ વખતે હોળી પર યસ બેન્કમાં નાણાકીય કટોકટી ઘેરી બની છે. એટલે સુધી કે યસ બેન્કનો શેર 50 ટકા કરતાં વધુ ઘટી ગયો હતો. બેન્કની હાલત એટલી કફોડી થઈ ગઈ કે રિઝર્વ બેન્કે દરમ્યાનગીરી કરવી પડી. રિઝર્વ બેન્કે પણ ગ્રાહકોને પૈસા ઉપાડવા માટે એક ચોક્કસ મર્યાદા મૂકી દીધી હતી.

માત્ર રૂ. 50,000ની ઉપાડમર્યાદા

યસ બેન્કમાં ગ્રાહકોના હિતોનું ધ્યાન રાખતાં પ્રતિ અકાઉન્ડ રૂ. 50,000 સુધી ઉપાડમર્યાદા રાખવામાં આવી છે. ભલે તમારા અકાઉન્ટમાં લાખ્ખો રૂપિયા જમા હોય, પણ તમને રૂ. 50,000 સુધી ઉપાડ કરવા દેવાશે. વળી આ પ્રતિબંધ 30 દિવસો માટે જ છે. જે પાંચ માર્ચથી શરૂ થશે અને ત્રીજી એપ્રિલ સુધી રહેશે.

ખાતાદીઠ રૂ. 5 લાખ ઉપાડવાની છૂટ

એવું નથી કે યસ બેન્કમાંથી રૂ. 50,000થી વધુ નથી કાઢી શકતા. રિઝર્વ બેન્કે કહ્યું છે કે સ્પષ્ટ કર્યું છે કે તમે મેડિકલ ઇમર્જન્સી હોય કે એજ્યુકેશન ફી વધુ ચૂકવવાની હોય કે પછી ઘરમાં લગ્નપ્રસંગ હોય તો તમે તમારા ખાતામાંથી રૂ. 50,000થી વધુની રકમ કાશી શકો છો. આ મર્યાદા રૂ. પાચં લાખ સુધીની છે.

અત્યાર સુધી જારી થયેલા ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની ચુકવણી

કેટલાક એવા મામલા પણ છે, જેમાં પાંચ માર્ચે રિઝર્વ બેન્ક દ્વારા જારી થયેલા આદેશ પહેલાં વદુ રકમના ડ્રાફ્ટ અથવા પે ઓર્ડર જારી કરવામાં આવ્યા હોય. જોકે જે પણ ડ્રાફ્ટ અથવા પે ઓર્ડર રિઝર્વ બેન્કના આદેશ પહેલાં જારી થયા છે, તેમને પૂરી રકમની ચુકવણી કરવામાં આવશે.

SBI-LIC  યસ બેન્કમાં હિસ્સો ખરીદશે

એસબીઆઇ અને એલઆઇસી નાણાકીય કટોકટીગ્રસ્ત યસ બેન્કમાં 49 ટકા હિસ્સો ખરીદશે. આ બંને 24.5 ટકા હિસ્સો લેશે. જોકે આ અહેવાલને પગલે યસ બેન્ક અને સ્ટેટ બેન્કના શેરો ગગડ્યા હતા.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે મુંબઈમાં કહ્યું હતું કે 30 દિવસની મર્યાદા નક્કી કરવામાં આવી છે., જે મહત્તમ મર્યાદા છે. રિઝર્વ બેન્ક આ દિશામાં કડક પગલાં ભરશે.