શ્રીનગર – રાજકીય પક્ષોના શાસનવાળા વર્ષોની સરખામણીમાં ગવર્નર શાસન (સીધું કેન્દ્રીય શાસન) લાગુ કરાયાના થોડા જ મહિનાઓમાં કશ્મીર ખીણપ્રદેશમાં સુરક્ષા દળો પર પથ્થરમારાના બનાવો ઘટી ગયા છે.
ગવર્નર શાસન લાગુ કરાયું એ પહેલાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના જોડાણે 2015 અને 2018ના મધ્ય ભાગ સુધી રાજ કર્યું હતું. તે પહેલાં, 2009 અને 2014 વચ્ચે નેશનલ કોન્ફરન્સ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં જોડાણે રાજ કર્યું હતું.
ભાજપે પીડીપીને આપેલો ટેકો પાછો ખેંચી લીધા બાદ સરકારનું પતન થયા બાદ અને મેહબૂબા મુફ્તીને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવાની ફરજ પડ્યા બાદ 2018ની 18 જૂને જમ્મુ અને કશ્મીર રાજ્યમાં કેન્દ્રીય શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે.
2018માં જૂન-ડિસેંબરમાં પથ્થરમારાના 349 બનાવ બન્યા હતા. 2019ની 17 જુલાઈમાં તે આંકડો વધીને 355 થયો છે. આમ, આ વર્ષમાં પથ્થરમારાના બનાવ બંધ જેવા થઈ ગયા છે.
નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસના રાજ વખતે પથ્થરમારાના 2,690 બનાવ બન્યા હતા.
કશ્મીર સમસ્યા ટૂંક સમયમાં જ ઉકેલાઈ જશેઃ રાજનાથ સિંહ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે દાયકાઓ જૂની જટિલ કશ્મીર સમસ્યા હવે ટૂંક સમયમાં જ ઉકેલાઈ જશે.
રાજનાથ સિંહે કઠુઆ જિલ્લામાં ઉઝ નદી પર રૂ. 50 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા એક પૂલનું શનિવારે ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગે એમણે કહ્યું કે કશ્મીર સમસ્યાનો જલદી ઉકેલ આવી જવાનો છે. એને કારણે જમ્મુ-કશ્મીર રાજ્યને ઉગ્રવાદની સમસ્યાથી મુક્તિ મળી જશે. હું આ ખાતરી સંપૂર્ણ જવાબદારી સાથે આપી રહ્યો છું.
રાજનાથ સિંહે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની પાછલી સરકારમાં પોતે જ્યારે ગૃહપ્રધાન હતા ત્યારે એમણે સંબંધિત લોકો સાથે ચર્ચા કરીને કશ્મીર સમસ્યા ઉકેલવાના ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ, અલગતાવાદીઓ ચર્ચા કરવા માટે આગળ આવ્યા નહોતા. મેં જેટલા પ્રયાસો કર્યા હતા એટલા બીજા કોઈ ગૃહપ્રધાને કર્યા હોય એવું હું માનતો નથી. હું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને લઈને કશ્મીર આવ્યો હતો, પણ અલગતાવાદી નેતાઓ ચર્ચા કરવા આવ્યા જ નહોતા એટલે અમારે મીટિંગ કર્યા વિના પાછા જતા રહેવું પડ્યું હતું.