કેટલાંક રાજ્યોમાં ભીષણ ગરમીઃ AC કંપનીઓના વેચાણમાં વધારો

નવી દિલ્હીઃ પશ્ચિમી રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં અને હિમાચલ પ્રદેશ અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં રવિવારે કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પૂર્વ રાજસ્થાન અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી અનુભવાઈ રહી છે. રાજસ્થાનના બાડમેર રવિવારે દેશનું ગરમ સ્થાન રહ્યું હતું. અહીં મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગ (IMD)એ વરતારો કર્યો હતો કે ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં આગામી પાંચ દિવસો સુધી ભીષણ ગરમી પડશે.

દિલ્હીમાં મહત્તમ તાપમાન સામાન્ય છ ડિગ્રી વધુ 39.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દિવસનું ન્યૂનતમ તાપમાન સામાન્યથી એક ડિગ્રી વધુ 19.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતું. ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં શુષ્ક હવામાનને કારણે ભીષણ ગરમી પડી રહી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં ભીષણ લૂ ચાલવાનો અંદાજ છે.

દેશમાં કાળઝાળ પડી રહેલી ગરમીને કારણે એર કન્ડિશનર (AC) કંપનીઓને અપેક્ષા છે કે ગરમીનો પારો વધવાની સાથે આ વર્ષે તેમના વેચાણમાં 10 ટકા વધારો થશે. ઘરેલુ એર કન્ડિશનરની કિંમત આશરે પાંચ ટકા વધી શકે છે. હવામાન વિભાગને અંદાજ છે કે આ વર્ષે એપ્રિલ અને મેમાં તાપમાન સામાન્યથી વધુ રહે એવી શક્યતા છે. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સિસ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (CEAMA)ને અપેક્ષા છે કે ગરમીઓની સીઝનની વર્ષના કુલ વેચાણમાં હિસ્સો 35થી 40 ટકા રહેવાની શક્યતા છે.વળી, મેથી કિંમતો વધે એવી શક્યતા છે.