બોકારો: બોકારોના સિવિલ સર્જન ડો. અશોક કુમાર પાઠકનો આખો પરિવાર કોરોના સામે ચાલી રહેલી લડાઈમાં તેમનું યોગદાન આપી રહ્યો છે. પત્ની ડો. અંજના ઝા કોલ ઈન્ડિયાની રાંચી સ્થિત ગાંધીનગર હોસ્પિટલમાં મુખ્ય આરોગ્ય અધિકારી અને કોરોના વોર્ડની ઈન્ચાર્જ છે. દીકરી મેજર ડો. અદિતિ અને તેમનો પતિ મેજર ડો. વિશાલ ઝા લેહની સૈનિક હોસ્પિટલમાં કોવિડ 19 વોર્ડમાં તેમની સેવા આપી રહ્યા છે. આ પરિવારમાં કોરોનાને હરાવવાનું ગજબનું ઝૂનૂન છે. તમામ લોકોએ ઘર છોડી દીધુ છે.
ડો. પાઠક કહે છે કે, કોરોના એવો ખતરનાક વાઈરસ છે જે સંક્રમિત વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાઈ છે. મને એ વાતની ખુશી છે કે, અમારો આખો પરિવાર દેશના જૂદા જૂદા ભાગોમાં માણસ અને કોરોના વચ્ચે ઢાલ બનીને ઉભો છે.
ડો. પાઠક રોજના 20 કલાક આરોગ્ય સેવામાં જોડાયેલા રહે છે. સમગ્ર ટીમ પણ તેમની સાથે રહે છે. હવે તો હોસ્પિટલ જ તેમના ઘરનું સરનામું બની ગયું છે. ઘણી વખત તો એક જ ટાઈમ ભોજન કરવાનો સમય મળે છે. ડો. પાઠકની જીદ કોરોનાને જલ્દીમાં જલ્દી હરાવવાની છે.
ડો. પાઠકના જણાવ્યા અનુસાર લેહની સૈનિક હોસ્પિટલમાં સૌ પ્રથમ ઝારખંડથી કોરોનાનો દર્દી આવ્યો હતો. એક જવાનના પિતાને કોરોના સંક્રમણ થયું. પિતાની સેવામાં લાગેલ જવાન તેમની પત્ની અને બાળકો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા. જમાઈ મેજર વિશાલ અને પુત્રી અદિતિએ દિવસ રાત પોતાની ફરજ નિભાવીને કોરોનાને હરાવી દીધો. લેહ સૈનિક હોસ્પિટલ આજે પણ કોવિડ હોસ્પિટલ તરીકે ઓળખાય છે.