નવી દિલ્હી: કોર્પોરેટ લોબિસ્ટ દીપક તલવારને લઈને ED એ કહ્યું હતું કે, તલવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ સાથે લોબિંગ કર્યું હતું, આ ઉપરાંત તલવાર વિવિધ સરકારી એજન્સીઓ સાથે પણ ઘરોબો ધરાવતો હતો. આ એજન્સીઓમાં નાણાં મંત્રાલય, કોર્પોરેટ બાબતો, ટેક્નોલોજી મંત્રાલય, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ, બેન્કિંગ, મીડિયા અને પબ્લિક રિલેશન્સનો સમાવેશ થાય છે.
ઈડીએ જણાવ્યું કે તલવારે વહીવટી અધિકારીઓ, રાજકારણીઓ, પ્રધાનો અને બીજા અધિકારીઓ સાથે નિકટના સંબંધોનો ફાયદો ઉઠાવ્યો હતો અને યુએઇ, એર અરેબિયા તથા કતાર એરલાઇન્સના ફેવરેબલ એર ટ્રાફિક રાઇટ્સ મેળવ્યા હતાં.
પૂર્વ નાગરિક ઉડ્ડયનપ્રધાન પ્રફુલ્લ પટેલ હતાં તલવારના નજીકના મિત્ર: ઈડી
એજન્સીએ પોતાના આરોપનામામાં તત્કાલીન નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલનું નામ આપીને તેમને તલવારના નિકટના મિત્ર ગણાવ્યા હતાં. ઇટીએ આ આરોપનામું જોયું છે. તે મુજબ પ્રફુલ્લ પટેલ તલવાર સાથે ‘સામાજિક’ મુલાકાતો કરતાં હતાં. એજન્સીએ હજુ સુધી પ્રફુલ્લ પટેલને બોલાવ્યાં નથી. પરંતુ તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. મહત્વનું છે કે, ઈડીની ચાર્જશીટમાં પ્રફુલ્લ પટેલનું નામ આરોપી તરીકે નથી.
એજન્સીએ દીપક તલવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા કેટલાક ડ્રાફ્ટ લેટર એટેચ કર્યા હતાં જે ત્રણ એરલાઇન્સ વતી લખવામાં આવ્યા હતાં અને તે પ્રફુલ્લ પટેલ, ડીજીસીએ અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાને મોકલાયા હતાં તથા તે એરલાઇન્સના લેટરહેડ પર હતાં. સૂત્રોએ કહ્યું કે પટેલ અને તલવાર વચ્ચે કોઈ ઇ-મેઇલથી વ્યવહાર થયો નથી.