વાવાઝોડું ફોની ઓડિશાના સમુદ્રકાંઠા પર ત્રાટક્યું; 14 જિલ્લામાં અસર

ભૂવનેશ્વર/પુરી – ભયાનક ચક્રવાતી વાવાઝોડું ફોની આજે સવારે 9 વાગ્યાની આસપાસ ઓડિશા રાજ્યના સમુદ્રકાંઠા પર ત્રાટક્યું હતું. બાદમાં 10 વાગ્યાની આસપાસ વાવાઝોડાનો કેન્દ્રીય ભાગ ત્રાટક્યો હતો. એ વખતે અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યંત તેજ ગતિએ, પ્રતિ કલાક 175-200 કિ.મી.ની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો હતો. વાવાઝોડાને કારણે 14 જિલ્લામાં અસર વર્તાઈ રહી છે. વાવાઝોડું ત્રાટકવાની શરૂઆત સવારે 8 વાગ્યાથી થઈ ગઈ હતી. વાવાઝોડાનો પ્રકોપ બે કલાક સુધી ચાલુ રહેવાની અને એનું જોર નરમ પડી ગયા બાદ એની અસર પાંચથી છ કલાક સુધી રહેશે એવી ચેતવણી હવામાન વિભાગે આપી છે.

અગાઉ સવારે હવામાન વિભાગની ચેતવણી આપી હતી કે વાવાઝોડું ફોની પૂરી તાકાત સાથે ઓડિશા પર ત્રાટકશે. તે પુરી જિલ્લાના ગોપાલપુર અને ચાંદબાલીના સમુદ્રકાંઠે ત્રાટકશે.

પુરી શહેરમાં સવારે સાત વાગ્યે પ્રતિ કલાક 150 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો અને વરસાદ પણ પડી રહ્યો હતો. વાવાઝોડું પ્રતિ કલાક 16 કિ.મી.ની ગતિએ આગળ વધી રહ્યું હતું. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ રાજ્યોમાં પણ વાવાઝોડા માટે એલર્ટ ઘોષિત કર્યું છે.00

પુરી શહેરમાં વીજપૂરવઠો સ્થગિત કરી દેવાનાં આદેશ આપવામાં આવ્યા છે.

હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે વાવાઝોડું ત્રાટકશે ત્યારે પવનની ગતિ વધીને પ્રતિ કલાક 200થી 230 કિ.મી. થઈ શકે છે.

ઓડિશા પરથી પસાર થઈ ગયા બાદ વાવાઝોડું પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે.

સવારે 11 વાગ્યા બાદ ફોનીનું જોર નરમ પડતું જશે એમ હવામાન વિભાગે જણાવ્યું છે.

ઓડિશાનાં એરપોર્ટ્સ ગઈ કાલથી જ બંધ કરી દેવાયા છે. કોલકાતાનું એરપોર્ટ પણ આજે રાતથી બંધ કરી દેવાની સૂચના અપાઈ છે. ઈસ્ટ કોસ્ટ રેલવે વિભાગે ઓડિશામાં 200થી વધારે ટ્રેનો રદ કરી દીધી છે. શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.

ઓડિશા રાજ્યમાં સમુદ્રકાંઠાની આસપાસના અનેક વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી લેવામાં આવ્યા છે.

બચાવ અને રાહત કામગીરી બજાવવા માટે ભારતીય સેનાની ત્રણેય પાંખ – ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળના જવાનો તેમજ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની 81 ટૂકડીઓનાં જવાનો સજ્જ થઈ ગયા છે.