નવી દિલ્હી- મોદી સરકાર 2.0નું પ્રથમ બજેટ શુક્રવારે રજૂ થશે. બજેટ પહેલા ગુરુવારે સરકારે સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો. નાણાંપ્રધાન નિર્મલા સીતારમણની સામે પડકાર છે કે તે આમ આદમીની આશા અપેક્ષા પર ખરા ઉતરી શકે. રાજ્યસભા અને લોકસભામાં આર્થિક સર્વે રજૂ કરી દેવામાં આવ્યો છે. સર્વે અનુસાર 2019-20માં દેશનો જીડીપી ગ્રોથ રેટ 7 ટકા સુધી રહી શકે છે. જેથી આગામી નાણાંકીય વર્ષ માટે નીતિગત નિર્ણયોના સંકેતો મળે છે.
આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, નાણાંકીય વર્ષ 2018-19માં નાણાંકીય ખાધમાં ઘટાડો થયો છે, અને આ જીડીપીના માત્ર 5.8 ટકા રહ્યું, જ્યારે તેના પાછળના વર્ષે આ 6.4 ટકા હતું. આર્થિક સર્વે અનુસાર જો ભારતને 2025 સુધીમાં 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવી છે તો જીડીપીમાં સતત 8 ટકાનો ગ્રોથ હાંસલ કરવો પડશે.
આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ ઉપાયોથી લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં મદદ મળશે. આ રીતે જ રોકાણના દરમાં જે ઘટાડો આવી રહ્યો હતો તે પણ અટકી જશે. જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથમાં ઘટાડા પર આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટાડો ચૂંટણી સંબંધી અનિશ્ચિતતાને કારણે હતો.
ખેતીના મામલે એક ચિંતાજનક બાબત તરફ ધ્યાન દોરતા ઈકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ખાદ્ય વસ્તુઓના ભાવ ઓછા થવાને કારણે ખેડૂતોએ નાણાંકીય વર્ષ 2018-19માં ઉત્પાદન ઓછુ કર્યું છે. જોકે એમ પણ કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2018ના બીજા ત્રિમાસિક ગાળાથી ગ્રામીણ ક્ષેત્રોની અર્થવ્યવસ્થામાં વધારો થવાનું શરુ થઈ જશે.
સર્વે અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં જીડીપી ગ્રોથ સરેરાશ 7.5 ટકા રહ્યો છે. આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ (NPA)માં ઘટાડો થવાને કારણે મુડી ખર્ચની સાયકલને વધારમાં મદદ મળશે. એનપીએમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેનો ફાયદો અર્થવ્યવસ્થાને થશે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, જો ગ્રોથમાં ઘટાડો આવશે તો આવક સંગ્રહ પર બોજો પડી શકે છે.
સર્વેમાં કેટલાક પડકારોની પણ વાત કરવામાં આવી છે. જેમાં નાણાંકીય ખાધના મોર્ચે 2019-20માં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. જે રીતે દેશની જનતાએ સરકારને પ્રંચડ બહુમત આપ્યો છે, તેના કારણે અર્થવ્યવસ્થાને આગળ વધારવાની પણ ચેલેન્જ છે.
આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.