YSRCPની લિકર નીતિને કારણે રૂ. 18,860.51 કરોડનું નુકસાનઃ ચંદ્રબાબુ

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશ ટૂંક સમયમાં નવી લિકર પોલિસીની ઘોષણા કરશે. રાજ્યમાં સ્થાનિક બ્રાન્ડસની જગ્યાએ વિશ્વસનીય, જાણીતી બ્રાંડ્સને સામેલ કરવામાં આવશે. રાજ્ય સરકાર યુનાઇટેડ સ્પિરિટ્સ અને અન્યોથી દારૂ ખરીદવાનું શરૂ કરશે. આંધ્ર પ્રદેશ રેડિકો ખેતાન, ગ્લોબલ સ્પિરિટ્સથી દારૂ ખરીદવા પર વિચાર કરી રહ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આંધ્ર પ્રદેશ વિધાનસભામાં પાછલી સરકારના કાર્યકાળમાં દારૂના મુદ્દે શ્વેતપત્ર જારી કરવામાં આવ્યો હતો. CM ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે પ્રારંભિક અંદાજ અનુસાર YSRCPની લિકર શોષણ નીતિને કારણે છેલ્લાં પાંચ વર્ષોમાં રાજ્યના ખજાનાએ રૂ. 18,860.51 કરોડનું નુકસાન થયું છે.

જો અમારે માલૂમ કરવું હોય કે કે કેટલો ભ્રષ્ટાચાર થયો છે, તો અમારે એની ઊંડાણથી તપાસ કરવાની રહેશે. અમે બધી ગેરરીતિઓને ઉજાગર કરીશું. પાછલી સરકારની આબકારી નીતિ પર વિધાનસભામાં શ્વેતપત્ર જારી કરતાં તેમણે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની પણ મદદ લેવામાં આવશે.

CM ચંદ્રબાબુએ આરોપ લગાવ્યો હતો કે 2019માં YSRCP સત્તામાં આવ્યા પછી લિકર પોલિસીમાં ફેરફારથી રાજ્યને રૂ. 18,860.51 કરોડનું નુકસાન થયું છે. સરકારી ખજાનાને આટલું મોટું નુકસાન થયું છે, જેથી જેતે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય વિભાગ પાસે માહિતી માગવામાં આવશે અને નકલી દારૂના સેવનથી કેટલા લોકોને ગંભીર આરોગ્યની સમસ્યાઓ થઈ છે, એની ફણ માહિતી એકત્ર કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.  CM ચંદ્રબાબુ નાયડુએ YSR કોંગ્રેસ પાર્ટીના કાર્યકાળમાં બનેલી લિકર નીતિમાં કૌભાંડનો આરોપ લગાવતાં CIDને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ આંધ્ર પ્રદેશના સૌથી મોટા કૌભાંડોમાનું એક છે, એમ તેમણે કહ્યું હતું.