દેશભરમાં લોકડાઉનના લીધે કૃષિ ક્ષેત્રે કટોકટી સર્જાઈ

અમદાવાદઃ છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશના કૃષિ ક્ષેત્રની માઠી દશા ચાલી રહી છે. ક્યાંક અનિયમિત વરસાદ તો ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક અનાવૃષ્ટિ. અધૂરામાં પૂરું કોરોના વાઇરસને પગલે થયેલા લોકડાઉને પડતા પર પાટુ માર્યું છે. અનેક રાજ્યોમાં પાક તૈયાર થઈ ચૂક્યાં છે, પણ લણણી કઈ રીતે કરવી? ખરીદદારો અને મજૂરો સ્થળાંતર કરી ગયા હોવાથી ખેતરોમાં ઊભા પાક બગડી રહ્યા છે.

ઉત્તર પ્રદેશ

રાજ્યમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં પડેલા અનિયમિત વરસાદ અને વાવાઝોડાને લીધે ખેડૂતોને ભારે નાણાકીય નુકસાન થયું હતું. આ ઉપરાંત લોકડાઉનને આ નુકસાનમાં ઓર વધારો થયો છે. ખેડૂતોમાં ભવિષ્ય અનિશ્ચિત થઈ ગયું છે, કેમ કે ખેતરોમાં રવી પાક તૈયાર છે, પણ લણણી કરવા માટે મજૂરો નથી. પશ્ચિમ યુપીમાં શેરડી ઉગાડતા લાખ્ખો ખેડૂતો પણ ખેતરોમાં લોકડાઉનને લીધે જઈ નથી શકતા.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હસ્તક્ષેપ કર્યો

આવા મુશ્કેલીના સમયે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આ સમાચાર પહોંચતાં તેમણે  વ્યક્તિગત હસ્તક્ષેપ કર્યો હતો, જેથી સમુદાયને મોટી રાહત મળી. ખેતરોમાં લણણી શરૂ થઈ હતી અને એ જોરશોરથી ચાલી રહી છે. ખેડૂતો અને કૃષિ મજૂરોને ખેતરોમાં કામ કરવાની છૂટ આપવાની મંજૂરી માગી હતી, જે કેન્દ્રએ મંજૂર રાખી હતી. રાજ્યમાં અઢી કરોડ ખેડૂતો અને ત્રણ કરોડથી વધુ કૃષિ મજૂરો છે. રાજય  અનાજ, દૂધ અને શાકભાજીનો સૌથી મોટો ઉત્પાદક છે.

તામિલનાડુ

આ વર્ષે ખેડૂતોને સારો નફો થવાની અપેક્ષા હતી, પરંતુ લોકડાઉનથી તેમની આજીવિકાને મોટો ફટકો પડ્યો છે.  કપાસ, ડુંગળી, કેળાં, ફૂલો અને અન્ય રોકડિયા પાકની ખેતી કરતા ખેડૂતોને સૌથી વધુ ફટકો પડ્યો છે, જ્યારે ડાંગરના ખેડૂતો પર લોકડાઉનની અસરથી થોડીક ઓછી થઈ છે.

કેળાં અને ફૂલોના ખેડૂતોને સમયસર વેચાણની જરૂર હોય છે, પણ હાલ તેમને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આમાં ફૂલો તો જલદીથી કરમાઈ જાય છે, જેથી એ નુકસાન તો થાય છે. રાજ્યમાં કેળાં વાર્ષિક પાક છે. ઘણાં સ્થળોએ, કેળાંના છોડ હવે લણણીના તબક્કે પહોંચી ગયા છે, પણ લોકડાઉનને પગલે બધું ઠપ છે. પરંતુ કેળાંના મોટા ભાગનો પાક પડોશી રાજ્ય કેરળમાં વેચવા માટે જતો હોય છે, પણ વાહનવ્યવહાર પર પ્રતિબંધને કારણે અને કેળાંના છોડ પરથી ખેડૂતોને કેળાં ઉતારવા માટે પણ મુશ્કેલીઓ પડી રહી છે. તિરુચી જિલ્લામાં 15,000 એકર જમીનમાં કેળાંની પાક લેવામાં આવે છે. એક ખેડૂતના જણાવ્યા મુજબ સરકાર પાસેથી મંજૂરી આપવામાં મોડું થતાં ઓછામાં ઓછા 20 ટકા કેળાંના બંચીસ બગડી ગયા હતા.

કેરળ

આ લોકડાઉને  કેરળના ખેડૂતો માટે ડાંગરની લણણી અને નાશવંત (ફૂલો અને શાકભાજી) માલના ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે. રાજ્ય સરકારે મોડેથી હસ્તક્ષેપ કર્યો, જેથી શાકભાજી અને ડાંગરની ખરીદી શરૂ કરી. જોકે  ખરીદી અને ઉત્પાદન વચ્ચેના ગેપે ખેડૂતોને ભારે અસર કરી છે. દાખલા તરીકે વાઝકુલ્લમમાં પાઇનેપલનું સરેરાશ દૈનિક ઉત્પાદન 1200 ટન છે, એની સાથે દૈનિક ખરીદી 20 ટન છે. લોકડાઉનને પગલે બાકીનો જથ્થો માર્કેટમાં પહોંચાડી ના શકાતાં ખરાબ થઈ રહ્યો છે.

મહારાષ્ટ્ર

કૃષિ પેદાશોના માલભરાવાને લીધે એની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. ખેડૂતો પાસે તેમની ઉપજને સ્થાનિકમાં છૂટક વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી રાજ્યમાં દ્રાક્ષ અને શાકભાજી ઉગાડતા ખેડૂતો તેમના તૈયાર થઈને બગડેલાં ઉત્પાદનોને ફેંકી રહ્યા છે. બીજી બાજુ આંતર આંતરરાષ્ટ્રીય કપાસના ભાવમાં ઘટાડો થતાં સ્થાનિક બજારમાં પણ ભાવો ઘટી ગયા છે. જેથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. જો સરકાર લોકડાઉન ખોલે તો ખેડૂતો માટે આશા છે. લોકડાઉનને કારણે રાજ્યમાં નાશવંત ઊપજ અને બિનખાદ્ય પેદાશોમાં રૂ .20,000 કરોડનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.

 

મધ્ય પ્રદેશ

રાજયમાં ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી લોકડાઉનને લીધે ઘઉં અને શાકભાજીના ખેડૂતો સંકટમાં મુકાયા છે. ખેતરોમાં ઘઉં તૈયાર છે પણ પાકની લણણી કરવામાં મુશ્કેલી પડી રહી છે, અને શાકભાજીના ખેડૂતો મંડીઓ બંધ થવાને કારણે તેમનાં શાકભાજીનાં વેચાણ માટે ગ્રાહકો નથી મળી રહ્યા.

છત્તીસગઢ

રાજ્યમાં શાકભાજી ઉગાડતા ખેડૂતોને મજૂરો નહીં મળવાને કારણે અને ટ્રાન્સપોર્ટ સુવિધા સમયસર નહીં મળતાં માલ ભરાવાની સ્થિતિનો સામનો કરી રહ્યા છે, જેથી શાકભાજી અને ફળફળાદિની કિંમતો 20 ટકા ઘટી ગઈ છે.

પશ્ચિમ બંગાળ

રાજ્યના અનિયમિત ચોમાસાને લીધે તો કૃષિ ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર પડી જ છે. એમાં કોવિડ-19ને પગલે લોકડાઉનને લીધે ખેડૂતોને બીજો માર પડશે. ખેડૂતો તેમના ઊભા પાકને લઈને ચિંતિત છે. ઘઉં, સરસવ અને કઠોળ ઉગાડતા ખેડૂતોને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે મોટા ભાગના મજૂરો લોકડાઉનને લીધે ઘરે પરત ફર્યા છે. મજૂરોની ઉપલબ્ધિ ન હોવાને કારણે બટાકાના કોલ્ડ સ્ટોરેજોમાં જમા છે, પણ ટ્રક ડ્રાઇવરો હજી એ લઈ જતા ડરી રહ્યા છે. ખરીફ સીઝનમાં રાજ્યના 70 ટકા ચોખા તૈયાર છે, પણ લોકડાઉનને કારણે લણણી નહીં થવાને પગલે પાકના ઉત્પાદનને અસર થવાની શક્યતા છે.

આંધ્ર પ્રદેશ

રાજ્યમાં અનંતપુર અને કડપા જેવા દુષ્કાળગ્રસ્ત જિલ્લાના ખેડૂતોને હવે તેમની પેદાશો વેચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. લોકડાઉનને પગલે બધાં માર્કેટો બંધ છે ત્યારે હોર્ટિકલ્ચર ખેડૂતોને ઓછું નુકસાન થાય એટલા માટે રાજ્ય સરકાર 80,000 મેટ્રિકક ટન ખરીદી કરી છે અને આગળ પણ સરકાર ખરીદી ચાલુ રાખશે.  રાજ્યમાં 59 લાખ મેટ્રિક ટન ડાંગરનું ઉત્પાદન થવાની ધારણા છે. અત્યાર સુધીમાં અગ્રણી અનાજની 47 ટકા લણણી થઈ શકી છે.

ઓરિસ્સા

રાજ્યમાં લોકડાઉનને પગલે ખેડૂતો અને ખેતપેદાશોની લાવવા-લઈ જવાની કામગીરીમાં વિક્ષેપ પડ્યો છે, જેથી ગ્રામીણ અર્થતંત્ર પર ભારે માર પડ્યો છે. શાકભાજી અને કઠોળ અને તેલીબિયાં જેવા રોકડિયા તૈયાર પાકને બજારમાં ઓછામાં ઓછા ગમે એ ભાવે વેચવા માટે સરકારની મદદ માગી રહ્યા છે. અમુક જિલ્લાઓમાં ખેડૂતો શાકભાજી સડવાને કારણે  ભારે નુકસાન વેઠી રહ્યા છે. ભુવનેશ્વરમાં રીંગણના બમ્પર ઉત્પાદનને પગલે એના ભાવમાં 50 ટકાનો ઘટાડો થયો છે. જોકે આ ભાવઘટાડો માલભરાવાને લીધે પણ થયો છે.રાજ્યમાં દરરોજ એક કે બે ક્વિન્ટલ કોળાનો બગાડ થઈ રહ્યો છે, કેમ કે કોળાનો માલ અન્ય રાજ્યોમાં પહોંચાડી શકાતો નથી એટલે રોજ બગાડ થાય છે.

રાજસ્થાન

લોકડાઉનથી રાજસ્થાનના ખેડૂતોની સમસ્યાઓમાં વધારો થયો છે. મજૂરીના અભાવથી લણણી પ્રક્રિયા પર અસર પ્રતિકૂળ થઈ છે. આ ઉપરાંત, બજારમાં પાકને મોકલવા અને વેચાણ કરવાની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. કારણ કે કુલ 247 અનાજ બજારમાંથી માંડ 125 મુખ્ય અનાજ બજારો કાર્યરત છે. આ સાથે ખેડૂતો કોરોના ચેપથી ડરતા હોવાને લીધે પણ જતા ડરી રહ્યા છે. રાજ્ય સરકારે ખેડુતોને મદદ કરવા કેટલાક પગલા ભર્યા છે.

ઘઉં, સરસવ અને જવ જેવા રવી પાક લણણી માટે તૈયાર છે. લોકડાઉનને કારણે યુપી અને બિહારના ઘણા પરપ્રાંતીય કામદારો રાજ્ય છોડી ગયા છે, તેથી લણણીમાં વિલંબ થઈ રહ્યો છે. બીજી બાજુ જે ખેડૂતોએ ઘઉંની લણણી શરૂ કરી દીધી હતી, પરંતુ બજારો ખુલ્લાં ન હોવાથી ગોડાઉનની સમસ્યા ઊભી થઈ રહી છે. જો ખુલ્લામાં રાખીને વેચાણ કરવામાં આવે તો ખરીદદારો યોગ્ય ભાવ આપી નથી રહ્યા નથી. રાજ્યમાં 1.02 લાખ ટન ઘઉં અને 32 લાખ ટન સરસવ અને 18 લાખ ટન જવ બમ્પર પાક થયો છે, પણ…

ઉત્તરાખંડ

રાજ્યમાં લોકડાઉનને લીધે ખેડૂતોને નુકસાન ખમવું પડી રહ્યું છે, કારણ કે તેઓ લોકડાઉન પૂર્વે ઉપલબ્ધ બજારોમાં તેમનું ઉત્પાદન વેચવામાં અસમર્થ છે. તેમની મોટા ભાગની પેદાશો- ખાસ કરીને જેમાં ફળો અને શાકભાજી જેવા એક અઠવાડિયાના સમયની અંદર બગડી જાય છે. ઘઉં, સરસવ અને શાકભાજી, ટામેટાં, કેપ્સિકમ અને ડુંગળી જેવા પાક પર વિપરીત અસર થઈ છે. નૈનિતાલ જિલ્લાના એક ખેડૂતે જણાવ્યું હતું કે  ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે શાકભાજીનો 70 ટકા બગાડ થઈ રહ્યો છે

પંજાબ

રાજ્ય સરકારે 13 એપ્રિલથી 135 લાખ ટન ઘઉંની ખરીદી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ સમસ્યા મજૂર અને જગ્યાના અભાવની છે. વેજીટેબલ ગ્રોવર્સ એસોસિએશન ઇન્ડિયાએ કહ્યું હતું કે લોકોએ લીલાં મરચાં, કાકડી, કેપ્સિકમ, કોબી, ડુંગળી ઉગાડ્યા છે, તેમને મોટા નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે શાકભાજી બજારોમાં તેમનું ઉત્પાદન કાપવામાં આવ્યું છે. જથ્થાબંધ ખરીદદારો (હોટલ, રેસ્ટોરાં અને કેટરર્સ) ઘણાં મથકો બંધ હોવાથી પેદાશોની ખરીદી કરી રહ્યા નથી. ફક્ત છૂટક વિક્રેતાઓ અથવા ફેરિયા જ ઉત્પાદનની ખરીદી કરી રહ્યા છે, જે કુલના માત્ર 20 ટકા છે.