નવી દિલ્હીઃ કેન્દ્રએ ત્રીજી નવેમ્બરે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને સામાન્ય જનતાને દિવાળી ભેટ આપી હતી. એ પછી કેટલાંય રાજ્યોએ પણ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડ્યો હતો. આ નિર્ણયના એક દિવસ પહેલાં જ 14 રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીનાં પરિણામો આવ્યાં હતા. વિપક્ષે કેન્દ્ર પર આરોપ મૂક્યો હતો કે પેટ્રોલ-ડીઝલ પર ભાવઘટાડો ચૂંટણીના દિવસોમાં જ કરવામાં આવે છે.
19 ઓક્ટોબર, 2014થી સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતો નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓને સોંપ્યું છે. ઓઇલ કંપનીઓ વૈશ્વિક ક્રૂડની કિંમતો, એક્સચેન્જ રેટ, ટેક્સ, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વગેરે ધ્યાનમાં રાખીને દૈનિક ધોરણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નિર્ધારિત કરે છે. સરકાર ભલે કિંમતો નક્કી કરવામાં એની ભૂમિકાનો ઇનકાર કરતી હોય, પણ ડેટા બતાવે છે કે ચૂંટણીની મોસમમાં જનતાને પેટ્રોલ-ડીઝલની વધેલી કિંમતોમાં રાહત મળી છે.
મે-2021માં આ વર્ષે માર્ચથી એપ્રિલ સુધી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી. એના પહેલાં 27 ફેબ્રુઆરીએ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભાવવધારાને બ્રેક લાગી હતી.
ડિસેમ્બર, 2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાના એક મહિના પહેલાં પેટ્રોલની કિંમતો પર બ્રેક લાગી હતી અને મતદાન પૂરું થતાં કિંમતમાં ત્રણ પૈસાનો વધારો થયો હતો. અને મતગણતરીના એક મહિના પછી પેટ્રોલની કિંમત રૂ. બેથી વધુ વધી. મે, 2018માં કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાના 20 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નહોતો કરવામાં આવ્યો. જોકે મતદાન પૂરું થયે 15 દિવસમાં પેટ્રોલની કિંમતમાં રૂ. ચારનો વધારો થયો હતો. ઓક્ટોબર-નવેમ્બર, 2020માં બિહારની ચૂંટણીની જાહેરાત પહેલાં અને પરિણામો પછી કુલ 58 દિવસો સુધી કિંમતો નહોતી વધી. ચૂંટણી પહેલાંના બે મહિના પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં એક રૂપિયોય વધારવામાં નહોતો આવ્યો. |